મોદીએ પત્ર લખીને યુવતીનો માન્યો 'આભાર!'

28 Oct, 2014

નવી દિલ્હી, 27 ઓક્ટોબર: અત્યાર સુધીનો એવો સિલસિલો રહ્યો છે અને એવી સામાન્ય માન્યતા પણ રહી છે કે કોઇ દેશના વડાપ્રધાનને કોઇને પત્ર લખવાનો કે રિપ્લાય આપવાનો સમય જ ના હોય. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં કંઇક ઉલટું જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં રહેનારી એક 16 વર્ષની ભારતીય યુવતીને પત્ર લખ્યો છે. નરેન્દ્ર મોદીએ આ યુવતીનો આભાર માનતો પત્ર લખ્યો છે અને પત્રમાં આ યુવતી દુવુરી રોહિણી પ્રત્યૂષાના વખાણ કર્યા છે.
કુવૈતના ભારતીય વિદ્યા ભવન શાળામાં 12માં અભ્યાસ કરતી પ્રત્યૂષાએ કાશ્મીરના પૂર પીડિતોની મદદ માટે ધનરાશિ જમા કરી હતી. પ્રત્યૂષાએ શાળા બાદ સમય નિકાળીને ત્યાં રહેનારા ભારતીયોના ઘેર-ઘેર જઇને રૂપિયા જમા કર્યા અને કુલ 2.15 લાખ રૂપિયા ભારતીય દૂતાવાસને સોંપ્યા. આ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડ માટે હતા.
વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ વખતે આ અંગે પણ જણાવવામાં આવ્યું છે. મોદીએ પ્રત્યૂષાના પ્રયત્નોના વખાણ કરતો પત્ર પણ લખ્યો છે. જોકે હજી પત્ર તેના મૂળ સરનામા સુધી પહોંચ્યો નથી. વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે બીજાઓને મદદ કરવાથી મોટું બીજું કોઇ કામ નથી અને ખાસ કરીને મુશ્કેલીના સમયમાં લોકોની મદદ ખૂબ જ મોટું કામ છે.