વડોદરા ઇનોવેશન હબ તરીકે ઉભરી રહ્યું છે

19 Nov, 2014

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગ રૂપે 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 'સીસીઆઇ 2014'નામનું એક્ઝિબિશન યોજશે.
આ એક્ઝિબિશનની સાથે ઇનોવેશન પર પણ ભાર મૂકવામાં આવશે. 1998થી દર બે વર્ષે વીસીસીઆઇ વડોદરામાં આ પ્રકારનું એક્ઝિબિશન યોજી રહી છે.
આ એક્ઝિબિશનને કેન્દ્રીય એસએમઇ પ્રધાન કલરાજ મિશ્રા ખુલ્લું મૂકશે. આ અંગે નાણાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા ઇનોવેશન હબ તરીકે ઊભરી રહ્યું છે. આ એક્ઝિબિશન દ્વારા નાના ઉદ્યોગકારોને તેમની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ઇક્વિપમેન્ટ સપ્લાય અને સપોર્ટ સર્વિસિસને મોટા ઉદ્યોગો સમક્ષ રજૂ કરવાની તક મળશે. અહીં વેન્ડર ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પણ હશે. આ ઉપરાંત અહીં સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડર્સ પણ ઊભું કરવામાં આવશે.
વીસીસીઆઇના પ્રમુખ નિલેશ શુક્લએ જણાવ્યું હતું કે, "પ્રદર્શનમાં 115થી વધુ ઇનોવેશનને ડિસ્પ્લે કરાશે, જેમાં 70 જેટલી શિક્ષણ સંસ્થાઓની, 24 ઉદ્યોગોની અને 20 વ્યક્તિગત ઇનોવેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં યોજાનારા એચઆર એક્સ્પોમાં એચઆર સર્વિસ આપતી સંસ્થાઓ તેમની સ્ટ્રેટેજી, નેટવર્કિંગ અને અન્ય મુદ્દાની ચર્ચા કરશે."