ઉત્તર ગુજરાતના ખે઼ડૂતો બન્યા અબજોપતિ, પકવે છે 10 અબજનું જીરૂ

28 Nov, 2014

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં જીરાની ખેતી આર્થિક સમૃદ્ધિ લાવનારી ગણાતી હોવાથી તેનું વાવેતર ઉત્પાદન સતત વૃદ્ધિ પામી રહ્યું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી વાવેતર અને ઉત્પાદનમાં ગુણાત્મક વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ 10 અબજની કમાણી એકલા જીરાની ખેતીમાંથી થઇ રહી છે. ચાલુ સાલે તેમાંથી વધુ ઉપજનો અંદાજ તજજ્ઞો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. નર્મદાના નીર આવ્યા પછી નોંધપાત્ર તેજી જીરાની ખેતીમાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાંજીરાનું વાવેતર ગયા  વર્ષે 44975હેક્ટરમાં થયું હતું. જેમાંથી અંદાજે 35081 મેટ્રીક ટન જીરાની ઉપજ ખેડૂતોને મળી હતી. ચાલુ સાલે વાવેતર 46000 હેક્ટરમાંથી થવાની ધારણા કરવામાં આવી રહી છે. છ વર્ષ અગાઉ વાવણી નીચી ગઇ હતી તે પછી સતત જીરાની ખેતી વૃદ્ધિ પામી છે. જોકે, જીરાનો પ્રતિ 20 કિલોગ્રામનો ભાવ ત્રણ વર્ષ અગાઉ રૂ. 3000 સપાટી વટાવી ગયો હતો તે પછી થોડોક નીચો ગયો છે. જોકે, ચાલુ સાલે માર્ચ-એપ્રિલમાં ભાવ અપ થઇ જવાની ધારણા કરાય છે.

સુકુ હવામાન, બિયારણ, પિયતથી વાવેતરમાં વધારો

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતનું સૂકુ વાતાવરણ જીરા માટે વધારે અનુકૂળ છે તેમજ પાંચેક વર્ષથી સુકારા પ્રતિકારક જીરૂ-4 બિયારણની જાત લાવવામાં આવી હોવાથી ફાયદો થયો છે. ખેતી અને પાકની ટ્રીટમેન્ટમાં પણ હવે ખેડૂતો એડવાન્સ થયા છે. તેનો પણ ફાયદો મળી રહ્યો છે. જિલ્લામાં સમી, સાંતલપુર, હારીજ, રાધનપુર, વાગડોદ, કાકોશી વિસ્તારમાં જીરૂની વ્યાપક ખેતી થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


બનાસકાંઠા પ્રથમ, પાટણ બીજે ક્રમે
ઉત્તર ગુજરાતમાં જીરાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમે આવે છે. બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સુરેન્દ્રનગર પછી બીજા ક્રમે આવી રહ્યો છે. ઉ.ગુ.માં પાટણ બીજે, મહેસાણા ત્રીજે અને સાબરકાંઠા ચોથા ક્રમે આવે છે. મહત્તમ વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા-પાટણમાં થઇ રહ્યું છે. પાટણ જિલ્લો ઉત્પાદનની દૃષ્ટીએ રાજ્યમાં આઠમા-સાતમા ક્રમે હતો પરંતુ છેલ્લા બે વર્ષથી ચોથા ક્રમે આવી ગયો છે.

પાટણ જિલ્લો 4 અબજનું જીરૂ પકવે છે

કૃષિ વિભાગના અને માર્કેટયાર્ડના સૂત્રોના મત અને આંકડાને ધ્યાને લેવામાં આવે તો પાટણ જિલ્લાના કિસાનો દ્વારા એકંદરે ચાર અબજથી વધુ જીરાની પેદાશ કરવામાં આવી રહી છે. જીરાની ડિમાન્ડ રહેતી હોવાથી વેપારી સોદા ઝડપથી થાય છે. ખેડૂતોને પણ આર્થિક સમૃદ્ધિ લઇ આવતી હોવાથી મહત્તમ ખેડૂતો જીરાની વાવણી કરતાં થયાં છે. જિલ્લામાં નર્મદાના નીર આવતાં ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થયો છે. 2007-08માં જીરાનું વાવેતર 26500 હેક્ટર હતું જે હાલે લગભગ બમણું થઇ જવાની સ્થિતીએ પહોંચી ગયું છે.
 

Loading...

Loading...