અડાલજની વાવ, સાયન્સ સિટી ખાતે બે થીમ પાર્ક રચાશે: બનશે 300 ટેન્ટ

05 Dec, 2014

આવતા વર્ષના પ્રથમ બે મહિનામાં જ ગુજરાત વૈશ્વિક સ્તરના શ્રેણીબદ્ધ સમારોહનું યજમાન બનવાનું છે ત્યારે તે સમયગાળામાં દેશ-વિદેશથી ઊમટી પડનારા લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અડાલજની વાવ અને સાયન્સ સિટી ખાતે અતિ-આધુનિક ટેન્ટના રહેણાકની વ્યવસ્થા સાથેના બે થીમ પાર્ક રચવાનો નિર્ણય કર્યો છે. જાન્યુઆરી 2015માં પ્રવાસી ભારતીય દિવસ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તથા ફેબ્રુઆરીમાં પ્લાસ્ટ ઈન્ડિયાનું આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન યોજાનાર છે.

આ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રોના વડાપ્રધાનો, વૈશ્વિક કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં એનરઆરજી અને ડેલિગેટ્સનું આમગન થશે. આટલી મોટી સંખ્યામાં લોકોને રોકાવા માટે હોટેલ્સની સંખ્યા ઘણી ટૂંકી પડે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સાયન્સ સિટી અને અડાલજની વાવ ખાતે 300 ટેન્ટની વ્યવસ્થા સાથે બે થીમ પાર્ક ઊભા કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પ્રતિબિંબ :બંને થીમ પાર્કમાં આધુનિક અને ભાતીગળ ગુજરાતની ઝાંખી

જે બે થીમ પાર્ક રચવામાં આવનાર છે તેમાં સાયન્સ સિટી ખાતે આધુનિક ગુજરાતના સમાજ, ટ્રેન્ડ્સ વગેરેની ઝાંખી કરાવતો થીમ પાર્ક તથા અડાલજની વાવ ખાતે ગુજરાતની હસ્તકળા, કારીગરી, વારસાના ભાતીગળ ગુજરાતને પ્રતિબિંબિત કરતો થીમ પાર્ક રચવામાં આવશે.
 
રહેવા માટે 300 આધુનિક ટેન્ટ

આ બંને સ્થળોએ આધુનિક સુવિધા સાથેના 300 ટેન્ટ પણ ઊભા કરવામાં આવશે જેથી બહારથી આવનારા લોકો અહીં જ રોકાઈ ગુજરાતથી પણ વાકેફ થાય અને યોજાનારા અન્ય સમારોહમાં પણ ભાગ લઈ શકે. આ માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ વિવિધ ટેન્ટના જુદા જુદા ભાવ નક્કી કરી તેની વેબસાઈટ મારફતે તેનું માર્કેટિંગ પણ શરૂ કરવામાં આવશે.