લો, હવે આવી ગયાં છે ટચ સ્ક્રીન કોફી ટેબલ

10 Jan, 2015

મોબાઈલ ફોન અને ગેઝેટ્સની દુનિયામાં કંઈને કંઈ નવું રોજે રોજ આવી રહ્યું છે. ભવિષ્યના દિવસોમાં જીવન ટચ સ્ક્રીન પર આધારિત થઈ જશે. ટચ સ્ક્રીન મોબાઈલ ફોનના ક્રેઝમાં વધુ એક ઉમેરો થઈ રહ્યો છે. ટચ સ્ક્રીન કોફી ટેબલ. ચા –પાણી નાસ્તો કરતી વખતે પણ તમે વર્ચ્યુલ વર્લ્ડની સાથે રહી શકો એવું કોફી ટેબલ લોન્ચ થઈ ગયું છે.

યુએસએમાં ટચ સ્ક્રીન કોફી ટેબલ અત્યારે લોકોમાં કૂતુહલનો વિષય છે. વિન્ડોઝ 8 તેમાં સપોર્ટ કરે છે. ગાર્ડન ટેબલની જેમ ઉંચું તેમજ સેન્ટર ટેબલની હાઈટ હોય એ પ્રકારે કોફી ટેબલ લોન્ચ થયાં છે. 178 ડીગ્રી સુધી જોઈ શકાય એવો એન્ગલ તેમાં છે. તસવીરો, નકશાથી માંડીને એકથી વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે એવી તકનીક તેમાં છે. વુડન ટેબલની સાથે તેમાં એલસીડી સ્ક્રીન એટેચ્ડ છે. સ્ક્રીનની સાથે છ ટચ પોઈન્ટ આપેલાં છે. સ્ક્રીન પર આસાનીથી નેવીગેશન થઈ શકે એવી સિસ્ટમ છે. વળી, ચા-પાણીના ગ્લાસ, કપ-રકાબી તેનાં ઉપર મૂકો તો પણ સ્ક્રીન પર સ્ક્રેચ ન પડે તેવો ટેમ્પર્ડ ગ્લાસ તેનાં ઉપર છે. પાણી કે બીજું કોઈ લિક્વીડ પડે તો પણ તેની સ્ક્રીનને કંઈ નુકસાન ન થાય તે રીતે આ ટચ સ્ક્રીન કોફી ટેબલ બનાવવામાં આવ્યું છે.

આ કોફી ટેબલમાં ઈન્ટેલ કોર 3.2 ગીગા હર્ટઝનું પ્રોસેસર છે. કોફી ટેબલની ડિમાન્ડ પ્રમાણે તેમાં મેમરી અને હાર્ડ ડ્રાઈવ ઈનબિલ્ટ છે. સાથે વાયરલેસ કી બોર્ડ તેમજ માઉસ પણ સુવિધા માટે આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ઉઠીને મોબાઈલ ચેક કરવાની પળોજણનું સ્થાન આ ટચ સ્ક્રીન કોફી ટેબલ લઈ લે તો નવાઈ નહીં રહે.