વિશ્વનાં ટોપ 50 ધનિકોની યાદીમાં ચમક્યાં 3 ગુજરાતી, મુકેશ અંબાણી 27માં નંબરે

29 Jan, 2016

 ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. વિશ્વનાં ગમે તે ખૂણે ગુજરાતીઓ વસવાટ કરે પણ તેનાં કામથી એક અલગ જ ઓળખ ઉભી કરતા હોય છે. તાજેતરમાં જાહેર થયેલી વિશ્વના ટોપ 50 ધનિકોની યાદીમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ એમાં નવાઈની વાત તો એ છે કે આ ત્રણેય ધનિક ગુજરાતી છે.  બિઝનેસ ઇનસાઇડર સાથે મળીને વેલ્થ-એક્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિશ્વના ધનકુબેરોની યાદીમાં વિશ્વનાં ટોપ 50 ધનાઢ્યની જાહેર કરાયેલી વ્પાપાર જગતની હસ્તીઓની યાદીમાં ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 24.8 અબજ યુએસ ડોલરની સંપતિ સાથે 27માં સ્થાને છે, જ્યારે અજીમ પ્રેમજી 16.5 અબજ યુએસ ડોલરની સંપતિ સાથે 43માં સ્થાને અને 16.4 અબજ યુએસ ડોલરની સંપતિ સાથે દિલીપ સંઘવી 44માં સ્થાને રહ્યાં છે.

 
મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, દિલીપ સંઘવી વિશ્વનાં 50 ધનિકોની યાદીમાં સામેલ
વિશ્વનાં ટોપ 50 ધનાઢ્ય વ્યક્તિઓની યાદી જાહેર: ત્રણ ગુજરાતીઓનો સમાવેશ
 
વિશ્વનાં ટોપ 50 ધનિકોની યાદીમાં 87.4 યુએસ બિલીયનની સંપતિ સાથે બિલ ગેટ્સે પહેલું સ્થાન મેળવ્યું છે. વિશ્વનાં ટોપ 50 લોકોની સંપતિનો સરવાળો $1.45 trillion થાય છે. જે ઓસ્ટ્રેલિયાના જીડીપીની સમકક્ષ હોવાનું નોંધાયું છે. આ યાદીમાં 29 ધનાઢ્ય લોકો માત્ર યુએસનાં છે. જ્યારે ચાર જેટલા લોકો ચીન અને ત્રણ ભારતીય છે. ટોપ 50 ધનાઢ્ય લોકોની યાદીમાં સૌથી યુવાન 31 વર્ષનાં ફેસબુક સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. આ ઉપરાંત યાદીમાં ચાર જેટલી મહિલાઓ પણ સામેલ છે, જેમાં સૌથી વધુ 93 વર્ષની ઉંમરનાં લીલીએન બેટ્ટેનકોર્ટે 17મું સ્થાન મેળવ્યું છે.
 
મુકેશ અંબાણી
 
મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957નાં રોજ ગુજરાતી પરિવારમાં થયો હતો. અથાગ મહેનત અને પોતાની સૂઝબુઝથી રિલાયન્સની સ્થાપનાં કરનાર મુકેશ અંબાણીનાં પિતા ધીરૂભાઈએ ગુજરાતી વ્યક્તિત્વની એક અલગ છાપ દુનિયાની સામે રાખી હતી. હાલ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ છે. પિતાનાં સપનાને આગળ વધારવામાં મુકેશનો પણ ફાળો અનેરો છે.
 
મુકેશ અંબાણીએ મુંબઈની હિલ ગ્રેન્ગ સ્કુલમાંથી અભ્યાસ કરી કેમિલક એન્જીનીયરમાં બીઈની ડીગ્રી મેળવી, ત્યાર બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડીગ્રી મેળવી રિલાયન્સ સાથે જોડાયાં. ત્યારબાદ સતત પ્રગતિ સાથે સફળતાના શિખર પાર કરી ભારતનાં સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કર્યો. મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી પર બિઝનેસ વુમન તરીકે આગવું સ્થાન ધરાવે છે. તેમને બે દિકરા અનંત અને આકાશ અને એક દીકરી ઈશા પણ હવે બિઝનેસ સાથે સંકળાયા છે. અંબાણી પરિવાર એક અન્ય રીતે પણ પોતાની પ્રસિદ્ધિ ધરાવે છે. મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત એન્ટેલિયા હાઉસ દુનિયાનું સૌથી મોંઘુ ઘર હોવાનું મનાય છે.
 
અઝીમ પ્રેમજી
 
મૂળ કચ્છી પરિવારમાં 24 જુલાઈ 1945નાં રોજ જન્મેલા અઝીમ પ્રેમજીની ગણતરી ઈન્ડિયન બિઝનેસ ટાયકુન તરીકે થાય છે. મુંબઈમાં જન્મેલા અજીમ પ્રેમજીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સાયન્સમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી છે. તેમના પિતા જાણીતા બિઝનેસમેન હતા અને તેમને બર્માના રાઇસ કિંગ તરીકે ઓળખાતા હતા. જ્યારે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન એક અલગ બન્યો ત્યારે ઝિન્હા દ્વારા તેમના પિતા મોહમ્મદ હાશેમ પ્રેમજીને પાકિસ્તાન આવી જવાનું આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ તેમણે ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.
 
પિતાજીનો પારંપારિક ધંધો ‘વનસ્પતિ ઘી’ ને લગતો હતો. આ છોકરાએ ભવિષ્યને ધ્યાનમાં લઇને આ કૌટુંબિક ધંધામાં પડવાને બદલે એક નવો જ ધંધો ચાલુ કર્યો. જ્યારે એમણે પોતાના સપનાની કંપનીની શરુઆત કરી ત્યારે માત્ર 27 કર્મચારીઓ હતા.નવી કંપનીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અઝીમ પ્રેમજી જ્યારે આ કંપનીના ચેરમેન બન્યા ત્યારે કંપની કુકિંગ ફેટ, હેર કેર પ્રોડક્ટ, બેબી ટોઇલેટરીઝ અને હાઇડ્રોલીક સિલિન્ડરના પ્રોડક્શન સાથે સંકળાયેલી હતી, પણ પછી તેઓએ લાંબા ગાળાનું વિચારીને કંપનીનું ફોકસ સોફ્ટવેરમાં શિફ્ટ કરી નાખ્યું જે એક બહુ ઉત્તમ નિર્ણય સાબિત થયો. કામ પ્રત્યેની નિષ્ઠાની સાથે સાથે પ્રામાણિકતા પણ અઝીમ પ્રેમજીને વારસામાં મળી હતી.
 
કંપનીને ટોચ પર લઇ જવી હતી પરંતુ પ્રામાણિકતાને ગીરવે મુકીને નહી આથી પોતાના કોઇ કામ કરાવવા માટે ક્યારેય કોઇને લાંચ નહી આપવાનો એણે નિયમ બનાવેલો હતો. અઝીમ પ્રેમજી અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓની ગણના દાનવીરોમાં પણ થાય છે, કંપનીમાં પોતાનો લગભગ અડધો અડધ હિસ્સો દાન કરી ચુક્યાં છે, એક અહેવાલ પ્રમાણે ધનકુબેર હોવા છતા આ માણસ આજે પણ ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે. 7 સ્ટાર હોટેલમાં રહેવાના બદલે કંપનીના ગેસ્ટહાઉસમાં જ રહે છે.
 
દિલીપ સંઘવી
 
સૌરાષ્ટ્રની ધરતી પર અમરેલીમાં જન્મ લેનાર આ ગુજરાતીએ ફાર્મા ક્ષેત્રે મોટી હલચલ મચાવી દીધી છે. આજે દુનિયા ભરમાં પોતાનો ડંકો વગાડનાર દિલીપ સંઘવીનો જન્મ 1 ઓક્ટોબર 1955નાં રોજ ગુજરાતનાં અમરેલીમાં થયો હતો. દિલીપ સંઘવીનો પરિવાર તેમનાં જન્મ બાદ કલકત્તા શિફ્ટ થયો હતો. જ્યાં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી વાણિજ્ય પ્રવાહમાં ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી.
 
દિલીપ સંઘવીએ વર્ષ 1982માં માત્ર 10 હજાર રૂપિયાનાં બજેટથી ફાર્મા ઉદ્યોગમાં ઝંપલાવ્યું, અને 1983માં તેમણે સન ફાર્માની સ્થાપના કરી મનોચિકિત્સક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કર્યું. બાદમાં થોડા સમય પહેલા જ સંઘવીએ ફાર્માની મોટી કંપની રેનબેક્સી ખરીદી લેતા દુનિયામાં પોતાનું નામ ગુંજતુ કરી દીધું. હાલમાં દિલીપ સંઘવીની કંપની વિશ્વની ટોપની પાંચ જેનરીક કંપનીમાં સ્થાન ધરાવે છે. જ્યારે તેમનાં વતન અમરેલીમાં તેમનાં પરિવારના નામે ટ્રસ્ટ પણ કાર્યરત છે. જે સુદર્શન નેત્રાલયનાં નામે સેવા આપી રહ્યું છે.