નખ પર ફિટ કરેલા ટ્રેકપેડથી મોબાઇલ ફોન અને કમ્પ્યૂટર નિયંત્રિત કરી શકાશે

18 Apr, 2015

આધુનિક જમાનામાં ટેક્નોલોજી રાતોરાત બદલાઈ જાય છે. નિતનવાં સંશોધનો પ્રગટ થતાં રહે છે, આવાં જ એક સંશોધનમાં મેસેચ્યુસેટ્સ યુનિર્વિસટીના સંશોધકોએ અંગૂઠાના નખ પર પહેરી શકાય તેવું નાનકડું વાયરલેસ ટ્રેકપેડ વિકસાવ્યું છે. નાઇલો નામનું આ પ્રોટોટાઇપ ટ્રેકપેડ ફેશન એસેસરિઝ તરીકે વપરાતી સ્ટિક ઓન નેઇલ્સ જેવું જ હોય છે. તેને નેઇલ આર્ટ સ્ટિકરની જેમ અંગૂઠાના નખ પર પહેરી શકાય છે.

આંગળીના નખ જેટલું ટ્રેકપેડ મોબાઇલ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે, જેના દ્વારા મોબાઇલ ફોન ઓપરેટ થઇ શકે છે. નાઇલો દ્વારા કમ્પ્યૂટર પર ઓપરેટ કરી શકાય છે. તેને પહેરનાર વ્યક્તિ સહેલાઇથી તેના નખની ડિઝાઇન પ્રમાણે બદલાવ કરી શકે છે, તેથી ફેશન અને કામગીરી એમ બંને હેતુ સર થાય છે. મીડિયા આટ્ર્ અને સાયન્સમાં એમઆઇટીની સ્નાતક સિન્ડી સિન લિઉ કાઓ દ્વારા આ સંશોધન કરાયું છે. તે કહે છે કે આ ડિવાઇસ કેટલીક મહિલાઓ દ્વારા નખ પર લગાવાતાં ડિઝાઇનર સ્ટિકર્સથી પ્રેરણા લઇ તૈયાર કરાયું છે. આ પ્રકારનાં ડિઝાઇન સ્ટિકર્સ એશિયાના દેશોમાં ઘણા લોકપ્રિય છે જ્યારે હું અમેરિકામાં આવી ત્યારે હું તેમને શોધી રહી હતી પરંતુ મને મળ્યાં નહોતાં, તેથી મેં તે મારા પરિવાર પાસેથી મગાવ્યાં હતાં.

સંશોધકોનો દાવો છે કે આ ડિવાઇસનાં કોર્મિશયલ વર્ઝનનો યૂઝર્સ તેમના પહેરવેશ સાથે મેચ થાય તે રીતે ઉપયોગ કરી શકશે. સિન્ડી કહે છે કે તે જરા પણ નડતરરૂપ નથી, તે તમારા શરીરનો જ એક હિસ્સો બની જાય છે. તેને તમે ઇચ્છો ત્યારે શરીરથી અલગ કરી શકો છો, તેમ છતાં તમે તેના પર નિયંત્રણ તો ધરાવો જ છો. સંશોધકો કહે છે કે આ ડિવાઇસનું કદ જ તેનો સૌથી મોટો લાભ છે. સામાન્ય રીતે લોકોને અંગૂઠાના નખ પર આંગળી ફેરવવાની આદત હોય છે, તેથી આ ડિવાઇસને ઓપરેટ કરવામાં લોકોએ ઘણી કાળજી લેવી પડશે. નાઇલો દ્વારા થતી કામગીરી અત્યંત ગુપ્ત રહી શકશે. વ્યક્તિ કોઇ તાકીદનાં કામમાં રોકાયેલી હશે તો કોઇને પરેશાન કર્યા વગર ચૂપચાપ મેસેજનો જવાબ આપી શકશે.