બર્થ-ડે પર પુત્રની પિતાને અનોખી ગીફ્ટ: લીવરનું દાન કરી આપી નવી જિંદગી

27 Jul, 2016

માનવ જીવન સંબંધોથી વણાયેલું હોય છે. કુદરતે પરિવારના પાત્રોની એવી રચના કરી છે કે પરિવારની હુંફ વગર જીવવું મુશ્કેલ છે. અહીંયા એક એવા પ્રેમથી છલોછલ ભરેલા પરિવાર અને પિતા-પુત્ર વચ્ચેની વાત કરવી છે. જેમાં પિતા ઉપર આવેલી આફતને રોકવા દીકરો વિરાંગના બની પોતાની જિંદગી ધરી દેતાં પણ ખચકાતો નથી. ભાલેજના દીકરાએ પોતાના બર્થ ડે પર પિતાને લીવર દાન કરી અનોખી ભેટ આપી હતી.
 
પિતાની છત્રછાયા ગુમાવવી ન પડે એ માટે લીધો નિર્ણય
 
ભાલેજ ગામે દિનેશભાઈ પ્રેમાભાઈ પટેલ (ઉ.વ. 60) પોતાના પરિવાર સાથે રહે છે. ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરીના લગ્ન થઈ ગયા બાદ તે અમેરિકામાં સ્થાયી થઈ છે. જ્યારે પુત્ર ધવલ તેમની સાથે જ રહે છે. છેલ્લાં ઘણા સમયથી દિનેશભાઈની તબિયત લથડી હતી અને તેઓને લિવરની બીમારી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પુત્ર ધવલે પોતાના પિતાની છત્રછાયા ગુમાવવી ન પડે તે માટે મનોમન પિતાને લિવર દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. પોતાના બર્થ ડેનાં દિવસે અનોખી ભેટ આપવાના નિર્ણય લીધો હતો. અને તે માટે ધવલે અગાઉથી જ દિલ્હી હોસ્પિટલમાં અપોઈન્ટમેન્ટ લઈ લીધી હતી.
 
મંગળવારે પિતા-પુત્રના લિવરનું ટ્રાન્સફર કરવાની સર્જરીનું કામ હાથ ધરાયું
 
પોતાના પિતાને લઈને દિલ્હી પહોંચી ગયો હતો. જ્યાં મંગળવારે પિતા-પુત્રના લિવરનું ટ્રાન્સફર કરવાની સર્જરી કરવાનું કામ હાથ ધરાયું હતું. આમ પુત્રએ પિતાના લિવર અર્પણ કરીને પિતાને નવજીવન બક્ષ્યું હતું. પિતાને નવજીવન મળતાં જ સંબંધીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. આધુનિક યુગમાં પિતા સાથે પુત્રો રહેવા તૈયાર નથી ત્યારે ભાલેજના ધવલભાઈએ પિતાના ઘડપણમાં સાચે જ લાકડીનો ટેકો બની અનોખું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.