સિંગાપોરની ઘણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા તૈયાર

24 Dec, 2014

ગુજરાતમાં દરીયાના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવવા, અર્બન હાઉસિંગ, ઉર્જા વગેરે ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે સિંગાપોરની કંપનીઓએ મોટાપાયે ઇચ્છા વ્યક્ત કરી છે અને તે માટે આજે સિંગાપોરના ડેલીગેશને ઇન્ડેક્સ બી ખાતે ઉચ્ચ અધીકારીઓ સાથે મીટીંગ કરી હતી. સૂત્રો મુજબ સિંગાપોરના સાઉથ એશિયા ગૃપના ગૃપ ડીરેકટર બેન્જામીન યેપના નેતૃત્વ હેઠળ ડેલીગેશને આજે ઉદ્યોગ ભવનમાં રાજ્ય સરકારના  ઉચ્ચ અધીકારીઓ સાથે એક મીટીંગ કરી હતી જેમાં સિંગાપોરની કંપનીઓએ ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવા  તૈયારી દર્શાવી હતી. ગુજરાત પાસે દેશમાં સૌથી મોટો દરીયાકાંઠો છે.

એટલે દરીયાના ખારા પાણીને ડીસેલિનેશન દ્વારા મીઠુ બનાવીને તેનો ઉપયોગ પીવા માટે, કૃષિ, ઉદ્યોગો વગેરે માટે કરી શકાય એમ હોવાથી આ ટેકનોલોજી રાજયના વિશાળ હીતમાં છે. જો કે મુડી રોકાણ અંગેની વાતચીત પ્રારંભીક તબક્કામાં હોવાથી તેમણે કેટલા એમઓયુ કરવામાં આવશે, કેટલી રકમના એમઓયુ કરાશે અને ક્યાં ક્યાં પ્લાન્ટ નાંખવામાં આવશે એની માહિતી આપવા ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં સિંગાપોર પાર્ટનર કંટ્રી છે.