મોરબીની સિરામિક કંપની ઉભી કરશે 350 નોકરીની તકો

06 Nov, 2014

મોરબી સ્થિત વિટ્રિફાઇડ મેન્યુફેક્ચરિંગ કંપની, સિમ્પોલોએ ઇટાલિયન સિરામિક ટાઇલ્સ મેકર, ઇમિલ સિરામિકા સાથે જોઇન્ટ વેન્ચર કરાર કર્યા છે. કંપનીનો દાવો છેકે આ જોઇન્ટ વેન્ચર ગુજરાતમાં 350 જેટલી નોકરીની તકો ઉભી કરશે. જેમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સ, કામદાર વિગેરે હશે. મોરબીમાં નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે બન્ને કંપનીઓ દ્વારા 125 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. કંપની અનુસાર બન્ને પાર્ટી પાસે 50 ટકા ઇક્વિટી રહેશે અને નવું યુનિટ 2016ના અંત સુધીમાં ચાલું થશે.

માહિતી અનુસાર કંપનીઓની યોજના છેકે આ નવી પ્રોડક્ટ્સને નવું બ્રાન્ડ નેમ આપવામાં આવે છે, જે ટૂંક સમયની અંદર નક્કી કરવામાં આવશે. તેમજ આ યુનિટમાંથી નિર્માણ પામનારી 50 પ્રોડક્ટ્સનું વિદેશમાં નિકાસ કરવામાં આવશે. સિમ્પોલો વિટ્રિફાઇડના ગ્રુપ સીઇઓ અનિલ બીજાવાતે જોઇન્ટ વેન્ચર અંગે જણાવ્યું કે, સિમ્પોલોનું વાર્ષિક ટર્નઓવર નાણાકીય વર્ષ 2013-14માં 504 કરોડ રૂપિયાનું હતું અને છેલ્લા પાંચ વર્ષમાં એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ 25 ટકા છે. આ પ્રોજેક્ટ શરૂ થયાના પ્રથમ વર્ષથી અમે નવી બ્રાન્ડમાંથી 300 કરોડની કમાણીની આશા રાખી રહ્યાં છીએ.

સિમ્પોલોના સીએમડીએ કહ્યું કે, સિમ્પોલો પોતાની રૂટિન પ્રોડક્ટનું ઉત્પાદન ચાલું જ રાખશે અને નવી બ્રાન્ડ તેમાં ઉમેરા સમાન હશે. અમારે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો કે બિલ્ડર અમારી પાસે આવતા હતા અને ઇટલીમાં બનેલી ટાઇલ્સની ડીઝાઇનનું સેમ્પલ આપીને તેના જેવી જ પ્રોડક્ટ અમે સસ્તા ભાવે બનાવીએ તેમ કહેતા હતા. અમે ક્યારેય ઇટાલિયન્સ દ્વારા બનાવવા આવેલી પ્રોડક્ટ્સ જેવી સારી પ્રોડક્ટ્સ બનાવી શકીએ નહીં. તેના કારણે અમે ઇમિલ સિરામિકા સાથે હાથ મિલાવ્યો છે, જે વિશ્વના 100 દેશોમાં ગ્રાહકો ધરાવે છે.