પાલીતાણા ખાતે શેત્રુંજય મહાયાત્રાનો પ્રારંભ: સાધુ ભગવંતો, આરાધકો જોડાયા

06 Nov, 2014

ચાતુર્માસના ચાર મહિનાના વિરામ બાદ આજે ગુરુવારે કારતક સુદ પુનમે પવિત્ર તીર્થ શેત્રુંજય ગિરિરાજ યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીઓ, ચાતુર્માસ કરી રહેલા આરાધકો તેમજ અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

પાલીતાણામાં દિવાળીના પર્વ બાદ કારતસ સુદ-૧૫થી શેત્રુંજય ગિરિરાજ યાત્રા શરૂ થઈ હતી. તેમજ ૯૯ યાત્રાનો આરંભ થયો હતો. યાત્રામાં યાત્રીકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત યાત્રિકો માટે ઠેર-ઠેર કાચા પાણી અને ઉકાળેલુ પાણીની પરબો ઉભી કરવામાં આવી હતી. તેમજ સિકયોરિટી અને મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ચાતુર્માસના ચાર મહિના યાત્રા બંધ રહ્યાં બાદ કારતકી પૂનમથી મહાયાત્રાનો પ્રારંભ થયો હતો. મહાયાત્રા કરનારા યાત્રિકોના પગ ધોઈ, ચાંદલા અને સંઘપૂજન કરી પ્રભાવના કરવામાં આવી હતી. આ ઉપરાંત આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી મ.સાની પાવન નિશ્રામાં પાંચેક જગ્યાએ ૯૯ યાત્રાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ યાત્રિકો યાત્રામાં જોડાયા હતા. સમગ્ર વિસ્તાર આદેશ્ર્વર દાદાની જય હો અને જૈનમ જયતિ શાસનમના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શેત્રુંજય પર ૮૬૩ ઉપરાંત શિખરબદ્ધ દેરાસરો આવેલા છે. ૬૦૩ મીટર ઉંચી પર્વત માળા ૨૦ એકરનો ઘેરાવો ઘરાવે છે. ૧૦૭૭ ફુટ સમુદ્રથી ઉંચાઈએ દાદાની મુખ્ય ટુંક આવેલી છે.