સેલ્ફી' બહુ થઇ ગઇ, હવે જામ્યો 'વેલ્ફી'નો ટ્રેન્ડ

08 Jul, 2015

 મોબાઇલ ફોન પર સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નહીં પરંતુ લાખો ભારતીયોને પણ બહુ ગમે છે. પરંતુ, હવે કદાચ સેલ્ફીનાં વળતાં પાણી શરૂ થયાં છે અને ખાસ કરીને સેલિબ્રિટીઝમાં 'વેલ્ફી'નો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વેલ્ફીનો સીધો સાદો અર્થ છે વીડિયો સેલ્ફી. છેલ્લા કેટલાક સમયથી વેલ્ફીનું ચલણ વધતું જાય છે અને હવે અનેક પ્રકારના મોબાઇલ એપ્સ દ્વારા વીડિયો એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ, વિવિધ ઓનલાઇન ક્લિપ સાથે મિક્સિંગ વગેરે સરળ બનતાં વેલ્ફી વધુને વધુ દેખાવા માંડી છે. 

 
બોલીવુડના સ્ટાર્સ, સ્પોર્ટ્સના હીરોઝ અને રાજકારણીઓ પણ રસ લેતાં થયા છે. તેઓ નવા મોબાઇલ એપ્સનો ઉપયોગ કરીને તેમના વીડિયો લઇને પોસ્ટ કરવા લાગ્યા છે. મૂવીના સીન્સના વખાણ કરવાથી માંડીને રાજકીય નેતાઓને કરાયેલાં સવાલોથી નોકરીવાંચ્છુકોના ઇન્ટરવ્યૂ હવે વેલ્ફી પર લોકપ્રિય બની રહ્યા છે. ભારતીય ટેકનોલોજી કંપનીઓ સોશિયલ મીડિયા પર કબ્જો જમાવવા આ નવા ક્રેઝને વટાવવા મેદાનમાં આવી ગઇ છે. 
 
૨૦૧૪માં સેલ્ફીનો ક્રેઝ હતો પણ હવે ૨૦૧૫નું વર્ષ વેલ્ફી માટે છે. દબ્સમાશની જેમ આ સ્માર્ટફોન એપમાં ઉપયોગકર્તાઓ ગીતો લલકારી શકે છે અથવા અગાઉ રેકોર્ડ કરેલાં ક્વોટ્સ પર મુકી શકે છે. જર્મનીએ વિકસાવેલું દબ્સમાશ હજુ ગયા નવેમ્બરમાં જ લોચિંગ બાદ ઝડપથી વૈશ્વિકસ્તરે ઝડપથી પ્રસરી ગયું છે. ૧૯૨ દેશોના પાંચ કરોડથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી ચૂકયા છે. હવે આ વૈશ્વિક ક્રેઝે ભારતીય ફિલ્મ ઉદ્યોગને ભરડામાં લીધો છે. જેમાં અનેક સ્ટાર્સ ડબ કરવામાં આવેલાં વીડિયોથી તેમના ફેન્સનું મનોરંજન કરે છે. 
 
એક્ટર્સ સલમાન ખાન અને રણવીર સિંહ તેમજ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને રિચા ચડ્ડાને પણ હવે તેનું વળગણ લાગ્યું છે. તેઓ હિન્દી ફિલ્મના ડાયલોગથી માંડીને પશ્ચિમી ગીતો બધુ જ અપલોડ કરી રહ્યા છે. સલમાન અને સોનાક્ષી ૧૯૭૧ની ફિલ્મનું એક ગીત લલકારે છે તેવી એક શોર્ટ ક્લિપને ઇન્સ્ટ્રાગામ પર ૭૧,૦૦૦થી વધુ લાઇક્સ મળી ચૂકી છે.