સુરત : હાઈડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા પિતાવિહોણી 111 કન્યાઓની એન્ટ્રી, પાલક પિતાનું અનોખું દાન

01 Dec, 2014

સુરતના પી.પી.સવાણી ગ્રુપ દ્વારા લાગણીના વાવેતર નામે પિતાવિહોણી 111 દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા અને બાળવિકાસ રાજ્યમંત્રી તથા કથાકાર ઋતંભરાજી સહિત પધારેલાં મહાનુભાવોએ 111 દીકરીઓને આશાર્વાદ આપ્યાં હતાં. જોકે તબિયત સારી ન હોવાને કારણે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ફોન પર જ તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યાં હતાં.રવિવારે સુરતની સેવાભાવી સંસ્થા પી.પી.સવાણી ગ્રુપ દ્વારા કોઇપણ જાત, જ્ઞાતિ, કે ધર્મ ભેદ વગર પિતાની છત્રછાયા ગુમાવનાર 111 દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન મોટા વરાછા ખાતે અબ્રામા કેમ્પસમાં કરવામાં આવ્યું હતું.

111 દીકરીઓ પૈકી 106 દીકરીઆેનાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે, 2 દીકરીઓના જૈન શાસ્ત્રો પ્રમાણે લગ્ન થયાં હતાં જ્યારે  3 દીકરીઓના મુસ્લિમ શાસ્ત્રો પ્રમાણે નિકાહ પઢાવવામાં આવ્યાં હતાં. ફક્ત લગ્ન જ નહીં પણ લગ્ન બાદ લગ્નજીવનમાં આવતી અડચણો બાબતે પણ પી.પી.સવાણી ગ્રુપનાં મહેશ સવાણી પાલક પિતા તરીકેની તમામ જવાબદારી ઉઠાવી રહ્યા છે.રવિવારે અંદાજે 55 હજાર જેટલા હાજર લોકોની હાજરીમાં 111 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા અને ગુજરાતના બાળવિકાસ રાજ્યકક્ષાનાં મંત્રી વસુબેન ત્રિવેદી સહિત હાજર અગ્રણીઓએ તમામ દીકરીઓએ સફળ દામ્પત્યજીવન માટે આશીર્વાદ આપ્યાં હતાં.

સમારંભનું મેનુ-મુલાકાતીઓ
55000 લોકોનો જમણવાર, 5500 કિલો મઠો બનાવાયો,  1800 કિલો ભાત બનાવાયો, 1400 કિલો દાળ બનાવાઈ, 2000 કિલો પૂરી બનાવાઈ, 1500 કિલો કાજુ કરતી
 
મારે 1001 દીકરીના પાલક પિતા બનવું છે
હું સુરતની પિતા વગરની દિકરીઓનાં પાલક પિતા બનવા માગું છું. હાલમાં 111 કન્યા મળી કુલ 251 દિકરીઓનાં લગ્ન કરાવ્યા છે અને 1001 દિકરીઓનાં લગ્ન કરાવવાની પ્રબળ ઇચ્છા છે. તેમને પછી પણ કોઇ તકલીફ ન પડે તેની કાળજી રાખુ છે. > મહેશ સવાણી, પી.પી.સવાણી ગ્રુપ
 
અગાઉ પિતાવિહોણી 140 દીકરીઓનાં લગ્ન કરાયા છે
પી.પી.સવાણી ગ્રુપ દ્વારા આગાઉ પિતા વગરની 140 દીકરીઓનાં લગ્ન કરાવ્યા હતાં અને આ સમૂહલગ્નમાં  પણ તે દીકરીઓને તેમના પતિ સાથે આમંત્રિત કરીને તેમનું સન્માન કર્યું હતું.
 
આવો કાર્યક્રમ દર વર્ષે યોજવાનું આયોજન
શહેરમાં પિતા વગરની એકપણ દીકરી તેમની સહાયતાથી વંચિત ન રહી જાય તે માટે દર વર્ષે આવા કાર્યક્રમ યોજવાનું પણ આયોજન પી.પી.સવાણી ગ્રુપ દ્વારા કરાઇ રહ્યું છે.