વૈશ્વિક નજરાણું છે ગુજરાતનો આ પ્રોજેક્ટ: મહાત્મા મંદિરનું PM કરશે લોકાર્પણ

04 Dec, 2014

પાટનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. વૈશ્વિક નજરાણા સમાન મહાત્મા મંદિર પ્રોજેક્ટને પૂર્ણ કરવા સરકાર ગતિશીલ બની છે. અહીં ગાંધીજીના જીવન કવન અને આઝાદિની ચળવળને ઉજાગર કરતું મ્યુઝિયમ જ્યાં બનાવવામાં આવનાર છે તેવા સોલ્ટ માઉન્ટનું કામ પૂર્ણ કરવા પર જોર લગાડાયું છે. સાથો સાથ મહાત્મા મંદિરથી મ્યુઝિયમને જોડતા કેબલ સ્ટેડ બ્રિજનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યુ છે. પરંતુ મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાનનાં હસ્તે કરાવવા માટે તંત્રને દોડતું કરાયુ છે.

રાજ્ય સરકાર દ્વારા અબજો રૂપિયાના ખર્ચે મહાત્મા મંદિર પરિયોજના હાથ ધરવામાં આવી છે. તેમાં હાલમાં સોલ્ટ માઉન્ટ અને કેબલ સ્ટેડ બ્રિજ પર અગ્રતાક્રમે કામ હાથ ધરવામાં આવ્યું છે. આ બે કામ માટે જ સરકાર તરફથી 260 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ રકમને ધ્યાને લેતાં જ સોલ્ટ માઉન્ટ અને કેબલ સ્ટેડ બ્રિજના વિશાળ ફલક પર હાથ ધરાયેલા કામનો અંદાજ આવી શકે તેમ છે. આઝાદિના ઇતિહાસને તાદ્દશ કરનારા મ્યુઝિયમ કે જેને તત્કાલીન મુખ્યમંત્રી નરેનદ્રભાઇ મોદી દ્વારા મહાત્મા ગાંધીજીના મીઠાના સત્યાગ્રહના નામ પરથી સોલ્ટ માઉન્ટ નામ આપવામાં આવ્યું છે. 

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે કવાયત શરૂ કરાઇ છે. બધું સમસુતરુ અને સમયસર કામ પાર પડશે તો આગામી જાન્યુઆરી મહિનાની તા. 11મી પહેલા આ ભવ્ય યોજનાનું લોકાર્પણ કરી શકાશે. અત્યાર સુધીમાં 3 મજલાની ઇમારત જેટલી ઉંચાઇના સોલ્ટ માઉન્ટના સ્ટ્રક્ચરનું કામ અંદર અને બહારથી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે તેમાં મ્યુઝિયમ સંબંધિ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોએ જણાવ્યું હતું. જ્યાં દેશ અને વિશ્વ કક્ષાના મેળાવડા, સંમેલન યોજાઇ રહ્યાં છે.

મહાત્મા મંદિર અને મ્યુઝિયમ જોડાઇ જશે

મહાત્મા મંદિર પરિસર અને તેની બરાબર સામે ખ-રોડને પાર કરીને બંધાઇ રહેલા સોલ્ટ માઉન્ટને જોડવા માટે કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની યોજના છે. ઇજનેરી સુત્રોએ જણાવ્યું કે તેના પાયાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને પછી તેના પિલ્લર પણ જમીનની બહાર આવી ગયા છે. પરંતુ આ કામ વાઇબ્રન્ટ સમિટ પહેલા પૂર્ણ નહીં થાય અને તેના માટે આ સમય મર્યાદા પણ નિયત કરવામાં આવેલી નથી. આ કામ થવાની સાથે ગાંધીનગરમાં ઇજનેરી કૌશલ્યની મિશાલ આપી શકાય તેવી વાત ચોક્કસ બનશે. બ્રિજ તૈયાર થયા પછી મૂલાકાતીઓ તેના પર થઇને જ મહાત્મા મંદિરથી સોલ્ટ માઉન્ટ જઇ શકશે.