Gujarat

સૌરાષ્ટ્રના પટેલોએ બતાવ્યો 'પટેલપાવર', બે મિનિટમાં શૌચાલયો માટે પોણા બે કરોડનું દાન!

લક્ષ્મી અને સરસ્વતિ બંને દેવીઓનું એક સાથે સંગમ બહુ જુજ હોય છે. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સરસ્વતિ ન હોય અને સરસ્વતિ હોય ત્યાં લક્ષ્મી ન હોય. પરંતુ પાટીદાર સમાજ એક એવો નસીબવંતો સમાજ છે કે, અહીં માંલક્ષ્મી અને સરસ્વતિ બંનેનો સંગમ અને અદભુત મેળાપ છે. પુત્રી કે પુત્રવધુએ પણ ઘરની લક્ષ્મી છે. તાજેતરમાં જ પાટીદાર સમાજના ચિંતક, રાહબર એવા વિઠ્ઠલભાઈ રાદડીયાએ યુવાન પુત્રના અવસાનથી  પામનાર પુત્રવધુને રાદડીયા દંપતીએ જ માતા,પિતા બનીને પોતાના આંગણેથી પુત્રીના રૃપમાં પુત્રવધુને વિદાય આપી પુનઃલગ્નનું જે કાર્ય કર્યુ એ ખરેખર જેટલું બીરદાવીએ એટલુ ઓછું અને સમાજને નવો રાહ ચિંધનાર છે. સમાજ માટે પથદર્શક સમાન છે.' આ શબ્દો હતા આજે હરિદ્વાર ખાતે ૨૫ કરોડના ખર્ચે ઉભા થનારા લેઉવા પટેલ સમાજ ભવનના જામકંડોરણા ખાતે યોજાયેલા શિલાન્યાસ કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના.

તેઓએ વધુમાં પાટીદાર સમાજમાં આજના કાર્યક્રમમાં સંસ્કૃતિના દર્શન થતા હોવાનું અને રાદડીયા પરિવારે સમાજ શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિની હરણફાળ ભરે એ માટે ચલાવાતા શિક્ષણ સંકુલોની સમાજની ભાવિ ઈમારત સાથે રખાવ્યા હતા. વિઠ્ઠલભાઈએ સમાજ માટે જે કર્યુ એ એમના સમાજ પ્રત્યેનો અહોભાવ અને સંસ્કાર છે. વિઠ્ઠલભાઈના પત્નીનું તેમને પુત્રવધુની માતા બનીને લગ્નનું જે કામ કર્યુ એ બદલ મુખ્યમંત્રીએ ખુદે સાલ ઓઢાડીને બહુમાન કર્યુ હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત પાટીદાર સમાજને સંબોધનમાં કુરીવાજો દફનાવી દિકરીને જન્મ આપવા સંકલ્પ કરાવ્યો હતો.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા હરિદ્વારમાં બની રહેલા લેઉવા પટેલ સમાજ ભવનના ખાતમુરત પ્રસંગ માટે ગઈ કાલે જામકંડોરણામાં લેઉવા પટેલ સમાજના અગ્રણીઓની પાસે સૌરાષ્ટ્રના પટેલ નેતા અને પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ હરિદ્વાર ઉપરાંત દ્વારકા, નાથદ્વારા અને મથુરામાં પણ લેઉવા પટેલ સમાજ ભવન બનાવવાની જાહેરાત કરતાંની સાથે

જ બે કલાકમાં પટેલ નેતાઓએ 37 કરોડ રૂપિયાનો ફાળો ઊભો કરી દીધો હતો. એની સામે અંદાજિત જરૂરિયાત ત્રીસ કરોડ રૂપિયાની જ હતી. મજાની વાત એ છે કે ખાતમુરત પ્રસંગે ઉપસ્થિત રહેલાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પટેલ આગેવાનોને શૌચાલય માટે ફન્ડ આપવાનું સૂચન કરતાં બે મિનિટમાં પોણાબે કરોડ રૂપિયાનું દાન મળી ગયું હતું. આનંદીબહેને કહ્યું હતું કે ‘કમાવું આવડત છે અને વાપરવું એ ઉદારી છે. આ બન્ને કામમાં લેઉવા પટેલો આગળ પડતા છે એ વધુ એક વાર પુરવાર થયું.’

ચાર ભવન માટે ફન્ડની વાત કરતાં પહેલાં વિઠલ રાદડિયાએ કહ્યું હતું કે ‘આજ સુધી સમાજ માટે તમારા બધા પાસે ભીખ જ માગતો રહ્યો છું, પણ આજે હવે છેલ્લી વાર કહું છું કે આ જ પછી સમાજ માટે ક્યારેય રૂપિયો નહીં માગું. છેલ્લી વાર કહું છું કે સમાજના ભવન માટે સંકોચ કર્યા વિના રૂપિયા આપો.’

સ્વાભાવિક રીતે શિલાન્યાસ ત્યાં જ થતો હોય જ્યાં મકાન બનવાનું હોય, પણ આનંદીબહેન પટેલ પાસે સમયનો અભાવ હોવાથી હરિદ્વારમાં શિલાન્યાસ કરવાને બદલે શિલાનું પૂજન જામકંડોરણામાં કુમાર છાત્રાલયના ગ્રાઉન્ડમાં આનંદીબહેન હસ્તક કરવામાં આવ્યું હતું. એ શિલા હવે હરિદ્વાર લઈ જવામાં આવશે અને પહેલી શિલા મૂકીને ભવનનું કામ શરૂ કરવામાં આવશે.

Source By : Sandesh

Releated Events