ગુજરાતનું ગૌરવઃ કચ્છના નીરજ અંતાણી કરશે ઓહિયોનું પ્રતિનિધિત્વ

09 Nov, 2014

23 વર્ષીય મૂળ ગુજરાતી યુવક નીરજ અંતાણી અમેરિકામાં યોજાયેલી મધ્યવર્તી ચૂંટણીમાં વિજેતા થયા છે. ઓહિયો રાજ્યમાંથી લેજિસ્લેટર ચૂંટણીમાં વિજેતા બનીને નીરજ અંતાણીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. નોંધનીય છેકે બે વર્ષ પહેલા નીરજ અંતાણી ઓહિયો હાઉસ ઓફ રીપ્રેઝન્ટટેટીવમાં યુએસના સૌથી યુવા સ્ટેટ લોમેકર્સ તરીકે ચૂંટાયા હતા.

અંતાણીએ ચૂંટણી જીતવા માટે બધુ જ જોર લગાવી દીધું હતું અને તેમણે એ મુદ્દાઓ પર વિશેષ વાત કરી હતી, જે મતદાતાઓને સ્પર્શતા હતા. તેમણે ઇટી મેગેઝીનને જણાવ્યું હતું કે, અમે અનુભવ્યું કે અમે અમારા રાજ્યમાં ઘણી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ અને તે અંગે વાત થવી જરૂરી હતી, અમારે નોકરીની તકો ઉભી કરવામાં અને બધાને તક આપવાની દિશામાં કામ કરવું પડશે.

ગુજરાત અને કચ્છનું ગૌરવ વધારનારા નીરજ અંતાણીએ દિવ્યભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે લોકો 1970ના દશકામાં અમેરિકા આવ્યા હતા. મને લોકોએ ચૂંટ્યો એ બદલ હું તેમનો આભારી છું. ભારતના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતી છે જે ગર્વની વાત છે. નોંધનીય છેકે નીરજ ઓહિયો સ્ટેટમાંથી રિપબ્લિકન પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને ડેમોક્રેટ પાર્ટીના પેટ્રિક મોરિસને પરાજીત કર્યા હતા.

નીરજ અંતાણીના પરિવાર અંગે વાત કરીએ તો તેમના પિતા મૂળ કચ્છના છે. તેમના જયમિનીભાઇ લક્ષ્મીલાલ અંતાણી ભુજ નિવાસી હતા. જેમનું 2010માં નિધન થયું હતું, તેમણે 35 વર્ષ સુધી હેવલેટ પેકર્ડમાં જોબ કરી હતી. નીરજનો જન્મ અમેરિકામાં જ થયો હતો. તેઓએ પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને હાલ તેઓ કાયદાનો અનુસ્તાનક અભ્યાક કરી રહ્યાં છે. નીરજ યુનાઇટેડ સ્ટેટ્સના ઓહિયો રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તેમનો મુખ્ય ધ્યેય આર્થિક અને શૈક્ષણિકક્ષેત્રે સુધારો કરવાનો અને સ્થાનિક વિસ્તારમાં રોજગાર નિર્માણ કરવાનો છે.