કચ્છની દસ મહિલાઓને નારીશકિત એવોર્ડ એનાયત

12 Mar, 2015

કચ્છની વિવિધ ક્ષેત્રની દસ મહિલાઓને આજે નારી શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભુજનાં ટાઉનહોલ ખાતે કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ પ્રેરિત કચ્છ નવપલ્લવ મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ પ્રસંગે આયોજિત મહિલા સશકિતકરણ સંમેલનમાં મહિલાઓનાં સન્માન સાથે પ્રસંગોચિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

મહિલા સશકિતકરણ સંમેલનમાં કચ્છની દસ મહિલાઓને નારી શકિત એવોર્ડ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા, જેમાં નિકીતાબેન નાવલેકર, વૈશાલીબેન મનોજ સોલંકી, જેનીબેન ફુરિયા, ખતાબેન સમેજા, તેજલબેન પટેલ, ગીતાબેન ગણાત્રા, સુષ્માબેન આયંગર, હિનાબેન પોમલ, હીરૃબાઈ મિયાંહુસેન, લક્ષ્મીબેન આહિર સહિતનો સમાવેશ થયો હતો. કલેકટર મહેન્દ્રભાઈ પટેલે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારની ૧૮૧ યોજનાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ નારી શકિતનો મોટી હાજરીને બિરદાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ મહિલાઓનું સમાજમાં યોગદાન આદિકાળથી છે અને પુરૃષ સમોવડી મહિલાઓ છે તેમ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડી.એન.પટેલે મહિલાઓને સ્વરક્ષણ તેમજ કાયદાકીય જ્ઞાાનની વિસ્તૃત છણાવટ પૂર્વક માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

 સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજીએ મહિલાને સ્વતંત્રતા આપવા તેમજ મહિલાઓએ પણ લક્ષ્મણ રેખામાં રહી આગળ વધવું જોઈએ તેવી હિમાયત કરી હતી. જિલ્લા સાઈબર ક્રાઈમના હિતેશભાઈ ઝાલાએ સાઈબર ક્રાઈમની વિશેષ માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખ હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા આવતા દિવસોમાં મહિલા સંગઠન વધુ મજબૂત બનાવી ભુજ મધ્યે જૂૂન મહિનામાં મોટા સંમેલનનું આયોજન કરવામાં આવશે.