...ને કચ્છીમાડુની પ્રમાણિકતા જોઇ NRI પરિવાર ગદગદ થયો

06 Nov, 2014

લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ,બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઇ ગયા બાદ સ્થાનિક રહેવાસી દ્વારા પરત કરાતાં કચ્છીની પ્રમાણિકતા જોઇને NRI પરિવાર ગદગદિત થઇ ગયો હતો. બિપિનભાઇ અને કીર્તિબેન ભાટિયા દંપતી તેમના પુત્ર-પુત્રવધૂ ડો. રાજ અને ડો. ભાવિકાની તેમના દેવસ્થાને છેડાછેડી છોડવા ડો. મિરાજ સહિત 5 સભ્ય સાથે માંડવી આવ્યા હતા.

દેવસ્થાન જતા કે.ટી. શાહ રોડ પર પરિવારના મોભીના હાથમાં રહેલી હેન્ડબેગ ક્યાંય પડી ગઇ હતી, જેથી પરિવારના સભ્યો નિરાશા વચ્ચે આજના જમાનામાં ભારતીય ચલણ તથા બ્રિટશ ચલણ પાઉન્ડ સહિત બે લાખની રકમ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતની બેગ કોઇ પાછી નહીં આપે, તે વિચાર સાથે પાછા મળવાની આશા છોડી દીધી હતી. જોકે, આવા સમયે મૂળ માંડવીના પરિવારના મોભી બિપિનભાઇએ પરિવારને જણાવ્યું હતું કે, જો માંડવીના કોઇપણ વ્યક્તિને બેગ મળશે, તો તો ચોક્કસ પરત મળશે, પરંતુ તેમના પુત્રોએ આ વાત સ્વીકારી નહીં.
ચાર કલાક બાદ જ એક ફોન રણક્યો કે, તમારી બ્લેક કલરની બેગ ખોવાઇ ગઇ છે. પરિવાર અચંબામાં પડી ગયો. સામેથી જણાવાયું કે, તમે ક્યાં છો તો તમારી બેગ આપી જાઉં. થોડીવારમાં માંડવીમાં દરજીકામ કામ કરતા નિતિન ઓધવજી પરમારે મૂળ માલિકને બેગ પરત કરવા હોટલે પહોંચ્યા, જે જોઇએ પરિવારના પુત્રો એક કચ્છીની ઇમાનદારી જોઇ દંગ રહી ગયા. બેગ પરત આપવા બદલ પરિવારે પુરસ્કાર આપવાની વાત કરતાં જવાબમાં પરમારે જણાવ્યું કે,લંડનમાં જાઓ તો કચ્છના માનવી અત્યારે પણ માનવતા મહેકાવે છે, ઇમાનદારી હજી પણ મરી પરવારી નથી, તેની સુવાસ વિદેશમાં ફેલાવશો, તો એ જ મારો પુરસ્કાર ગણાશે'.