માયાનગરી મુંબઇ કરશે ગુજરાતની આ વાતનું અનુકરણ

19 Nov, 2014

ગુજરાતને આખા દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના વિકાસ મોડલનું અનુકરણ ધીમેધીમે આખા દેશના બીજા રાજ્યોમાં થઇ રહ્યું છે. માયાનગરી મુંબઇમાં પણ ગુજરાતના કેટલાક મોડલનું અનુકરણ કરવામાં આવે તેવી શક્યતા છે. લોકલ બૉડી ટેક્સ (એલબીટી) લાગુ કરવાની જાહેરાત થઈ ત્યારથી વેપારીઓ એનો વિરોધ કરી રહ્યા છે. આને પગલે હવે પાલિકા દ્વારા ગુજરાત મૉડેલનો ઉપયોગ કરવામાં આવે એવી શક્યતા છે.

ગુજરાતમાં જકાતને બદલે જનરલ સેલ્સ ટેક્સ (જીએસટી) વસુલવામાં આવે છે જે સીધો પાલિકાના બેન્ક અકાઉન્ટમાં જમા થાય છે. એજ રીતે મુંબઈમાં જકાતને બદલે જીએસટીના પયાર્ય અંગે વિચારણા થઈ રહી છે. જીએસટીમાં પાલિકાના અધિકારીઓને અધિકાર આપવાને બદલે વેપારીઓએ ભરેલો કર સીધો પાલિકાના બેન્ક ખાતામાં જમા થશે. આ અંગે એકાદ મહિનામાં નિણર્ય લેવાય એવી શક્યતા છે.

મુંબઈ સિવાય અનેક પાલિકાઓમાં એલબીટી લાગુ કરવામાં આવી છે. પરંતુ આ નવી કર પ્રણાલીનો વેપારીઓ વિરોધ કરી રહ્યા હોવાથી આ પ્રયોગ નિષ્ફળ પુરવાર થયો છે. ભારતીય જનતા પક્ષ પણ એલબીટીનો વિરોધ કરી રહ્યો હતો અને ચૂંટણી પૂર્વે જ તેણે વૈકલ્પિક કર પદ્ધતિ લાગુ કરવાનું આશ્વાસન વેપારીઓને આપ્યું હતું.

થોડા દિવસ અગાઉ મંત્રાલયમાં પાલિકાના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં પર્યાયી કર પદ્ધતિ અંગે ચર્ચાવિચારણા થઈ હતી. જેમાં ગુજરાત પેટર્ન મુજબ કર પદ્ધતિ લાગુ કરવાનું વિચારાઈ રહ્યું છે. પર્યાયી કર પદ્ધતિ અમલમાં આવ્યે વેપારીઓની તપાસ કરાશે નહીં, એ સાથે પાલિકાને નુકસાન ન થાય એની પણ તકેદારી રાખવી જરૂરી હોવાથી ગુજરાત મુજબ જીએસટી લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું ભાજપના ગ્રુપ લીડર મનોજ કોટકે જણાવ્યું હતું.