Gujarat

અમદાવાદનો રૉકસ્ટાર રિક્ષાવાળો

આ અનોખા અમદાવાદી પર મોરારીબાપુ પણ ફિદા : તે રિક્ષાનું ભાડું નથી લેતો, પણ એક ખાલી કવર પૅસેન્જર સામે મૂકી દે છે, જેને જેટલું આપવું હોય એટલું આપે : ઉદયસિંહ જાદવની જેમ તેની ઑટો પણ નિરાળી છે

મોરારીબાપુ અમદાવાદમાં એક રિક્ષાવાળાની રિક્ષામાં બેઠા અને તેમને જે સ્થળે જવાનું હતું એ સ્થળે રિક્ષાવાળો લઈ ગયો. રિક્ષામાં બાપુને ખબર પડી કે આ રિક્ષાવાળો કોઈની પાસે ભાડું નથી માગતો અને માત્ર કવર મૂકી દે છે - જેને જે ભાડું પ્રેમથી મૂકવું હોય એ મૂકે, ન મૂકવું હોય તો આ રિક્ષાવાળો કંઈ બોલતો નથી. આ વાત જાણીને બાપુને આશ્ચર્ય થયું અને અમદાવાદના એક સામાન્ય રિક્ષાવાળાની રિક્ષામાં આંટો માર્યા પછી તેઓ આ નેકદિલ રિક્ષાવાળાની ઉદારતા પર ફિદા થઈ ગયા. અમદાવાદમાં ચાલી રહેલી માનસ સ્વચ્છતા રામકથામાં બાપુએ જાહેરમાં કહ્યું કે અમદાવાદમાં ચાર્જ ન લેવો એ જરાક સુખદ આશ્ચર્ય છે, પણ હું ઉદયને સાધુવાદ આપું છું.

અમદાવાદમાં ચાલી રહેલી રામકથામાં જ્યારે પણ એવા પ્રસંગો આવે છે ત્યારે મોરારીબાપુ રિક્ષાવાળા ઉદયસિંહ જાદવને અચૂક યાદ કરી તેનો દાખલો આપીને તેની સરાહના કર્યા વગર રહેતા નથી.

રિક્ષામાં શું-શું છે?

અમદાવાદમાં રામકથા શરૂ થઈ એ દિવસે મોરારીબાપુએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાંથી મોરારજી દેસાઈના સમાધિસ્થળ અભયઘાટ જવા માટે ઉદયસિંહ જાદવની રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં કચરો નાખવા કચરાપેટી, લાઇબ્રેરી, પાણી પીવા માટે બૉટલ, નાસ્તો, પંખો, રાત્રે વાંચવા માટે લાઇટ સહિતની મુસાફરો માટેની વ્યવસ્થા જોઈને બાપુને અચરજ થયું હતું.

બાપુએ રામકથા દરમ્યાન પહેલા જ દિવસે કહ્યું હતું કે ‘આ રિક્ષાવાળાએ તેની રિક્ષામાંથી કોઈ કચરો બહાર ન ફેંકે એ માટે રિક્ષામાં ડબ્બા રાખ્યા છે એ મને બહુ ગમ્યું. હું ઉદયને સાધુવાદ આપું છું. સ્વચ્છતા અભિયાનની વાત મને આનંદ અપાવી ગઈ.’

ઉલ્લેખનીય છે કે રામકથામાં ઉદયસિંહ જાદવને વ્યાસપીઠ પરથી આરતી ઉતારવાનો લહાવો મળ્યો હતો અને બાપુએ તેને આશીર્વાદ આપ્યા હતા.

રામકથાનું શ્રવણ કરવા આવેલા અમદાવાદના ઉદયસિંહ જાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે વ્યક્તિને મળવા આખી દુનિયા આવે છે તે બાપુને હું ગાંધીઆશ્રમથી અભયઘાટ સુધી મારી રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. મારી રિક્ષામાં બાપુ બેઠા એટલે હું ધન્ય બની ગયો છું. બાપુના આશીર્વાદ મળ્યા અને બાપુએ પ્રસાદી તરીકે મને ૫૦૦ રૂપિયા આપ્યા. હું તો મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે બાપુ મારા માટે રામકથામાં કંઈક કહે છે.’

મારી રિક્ષામાં મેં ડસ્ટબિન રાખ્યું છે જેમાંથી સાંજે કચરાનો નિકાલ કરી દઉં છું એમ જણાવીને ઉદયસિંહ જાદવે કહ્યું હતું કે ‘રિક્ષામાં સત્ય અને પ્રેમ નામનાં બૉક્સ છે જેમાં સત્ય નામના બૉક્સમાં પાણીની બૉટલ અને પ્રેમ નામના બૉક્સમાં થેપલાં, સુખડી, ચિક્કી, મઠિયાં સહિતનો નાસ્તો હોય છે. મુસાફરો પાણી વિનામૂલ્ય પી શકે છે અને નાસ્તો પણ વિનામૂલ્ય કરી શકે છે. રિક્ષામાં મેં અક્ષયપાત્ર પણ રાખ્યું છે જેમાં હું રોજની કમાણીમાંથી પાંચ, દસ કે એક અથવા બે રૂપિયાનો સિક્કો નાખું છું. એ પૈસા પછી એકઠા કરીને જરૂરિયાતમંદને આપું છું.’

આવું બધું કરવા પાછળનું કારણ આપતાં ઉદયસિંહે કહ્યું હતું કે ‘જીવનમાં પૈસો સર્વસ્વ નથી. હું વિચાર વેચું છું એનો મને આનંદ આવે છે. લોકોને ખુશી મળવી જોઈએ. મારી રિક્ષામાં બેસીને બાપુ અવાક થઈ ગયા હતા અને બધું જોયા કર્યું.’

૨૦૧૦થી આ કન્સેપ્ટ શરૂ કરનાર ઉદયસિંહ જાદવને ત્રણ દીકરાઓ છે. તેની પત્ની પણ તેની આ સેવા વિશે કંઈ બોલતી નથી, પરંતુ પતિના આ કાર્યથી ખુશ છે. ઉદયસિંહ જાદવે કહ્યું હતું કે મારો ખર્ચ નીકળી જાય છે.’

બિગ બી, પરેશ રાવલ અને આશા પારેખ પણ રિક્ષામાં બેઠાં છે

ઉદયસિંહ જાદવની રિક્ષામાં આશા પારેખ, અમિતાભ બચ્ચન, પરેશ રાવલ અને ચેતન ભગત સહિતની સેલિબ્રિટીઝે બેસીને આંટો માર્યો છે અને ઉદયસિંહ જાદવના વિચારોની સરાહના પણ કરી છે. અમિતાભ બચ્ચને તો ઉદયસિંહ જાદવ સાથે ૧૫ મિનિટ ચર્ચા પણ કરી હતી.

Releated News