આખુ વર્ષ વરસાદનું પાણી પીવે છે મોડાસાનો આ પરિવાર

24 Jul, 2015

ભૂગર્ભ જળ ઉંડા જતાં વિશ્વભરમા ચિંતા થઈ રહી છે.આ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરાય તે શ્રેષ્ઠ વિકલ્પ છે.પરંતુ આ વૈશ્વિક સમસ્યા પર લોકો ગંભીર નથી.ત્યારે મોડાસામાં એક પરિવાર છેલ્લા પાંચ વર્ષથી વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરે છે.ઘરે બનાવેલ ૧૩ હજાર લીટરના ટાંકામાં દેશી રીતથી પાણી ફિલ્ટર કરી સંગ્રહ કર્યા બાદ આખુ વર્ષ આ પાણી પીવા તેમજ રસોઈ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામો તેમજ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ખારુ પાણી મળતુ હોય લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરે છે.જો કે ભૂગર્ભ જળ ઉંડા જઈ રહ્યા હોય આગામી વર્ષોમાં ફરજિયાત આ રીતે પાણીનો સંગ્રહ કરવો પડે તેવી સ્થિતી પેદા થાય તો નવાઈ નહી.ત્યારે મોડાસાના એક પરિવારે છેલ્લા પાંચ વર્ષથી આ અભિગમ અપનાવ્યો છે.મેઘરજ રોડ પર આવેલી જીવન જ્યોત સોસાયટીમાં રહેતા રજનીભાઈ પટેલનો પરિવાર આખુ વર્ષ વરસાદી પાણીનો જ ઉપયોગ કરે છે.ચોમાસા દરમિયાન ધાબા પર પડતુ વરસાદી પાણી ટાંકામાં સંગ્રહ કરી તે વપરાશમાં લેવામાં આવે છે.આ અંગે રજનીભાઈ પટેલે જણાવ્યુ હતુ કે,વરસાદના પાણીનો સંગ્રહ કરવા ૧૩ હજાર લીટરનો ટાંકો બનાવવામાં આવ્યો છે.ચોમાસામાં ધાબા પર ભરાતુ પાણી પાઈપ લનઈન મારફતે રેતી ભરેલી કુંડીઓમાં ઠલવવામાં આવે છે.જુદા જુદા પ્રકારની રેતી ભરેલી ત્રણ કુંડીમાંથી પસાર થયા બાદ પાણી ફિલ્ટર બની ટાંકામાં જમા કરવામાં આવે છે.બાદમાં આખુ વર્ષ આ પાણીનો પીવા તરીકે અને રસોઈ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે.નાનકડા હેન્ડપંપ વડે સવારમાં ટાંકામાંથી પાણીના માટલા ભરી દઈ ઘર વપરાશમાં આ જ પાણીનો ઉપયોગ છેલ્લા પાંચ વર્ષથી કરાઈ રહ્યો છે.ઘરે મહેમાન આવે તો પણ સંગ્રહ કરાયેલ વરસાદી પાણી આપવામાં આવે છે.


ટાંકામાં ચૂનાની માટલી મુકી પાણી શુધ્ધ રખાય છે.
પાણીની ગાળણ ક્રિયા માટે રેતીના ત્રણ જુદા જુદા પડ મુકવામાં આવ્યા છે. જેમાં ગાળણ થઈ કુદરતી મીનરલ પાણી તૈયાર થાય છે. બાદમાં આખું વર્ષ પાણી શુધ્ધ રહે તે માટે ટાંકામાં ચૂનો ભરેલી માટલી મુકી દેવામાં આવે છે જેના કારણે માટી કે અન્ય કચરો નીચે ઠરી જાય છે.

આ પાણીથી શરીરના રોગો થતા નથી
સામાન્ય રીતે અરવલ્લી જિલ્લામાં પાણીની અંદર ક્ષારનું પ્રમાણ વધુ છે. આવું પાણી પીવાથી પથરી અને હાડકાના રોગો થાય છે. સાથે જ પાણીજન્ય રોગો પણ થતા હોય છે. પરંતુ વરસાદના પાણીનો સંગ્રહ કરીને પીવાથી શરીરમાં પાણીજન્ય કોઈ રોગો થતા નથી. હાલ જમીનમાં ખેતરો મારફતે કેમીકલ્સ જતાં નાઈટ્રેટીવ પાણી થઈ ગયું છે ત્યારે વરસાદનું પાણી ઉત્તમ માનવામાં આવે છે.

Loading...

Loading...