મેડિટેશનને આપો અટેન્શન: આ છે ફાયદા, અપનાવો સરળ રીત-રાખો સાવધાની

17 Dec, 2015

 પહેલુ સુખ તે જાતે નર્યા – આ કહેવતથી આપણે બહુ સારી રીતે પરિચિત છીએ, એટલે જ તો નિરોગી જીવનની સામે દુનિયાનાં દરેક સુખને પાંગળા ગણવામાં આવે છે. સ્વસ્થ શરીરનાં મહત્વ પર આપણાં વડલાઓએ ખુબ જ ભાર આપ્યો છે. આ જ કારણથી તો પ્રાચીન સમયમાં યોગની શોધ કરી હતી.

 
આજની લાઇફ સ્ટાઇલ અને ઝડપી બની રહેલી જિંદગીની દોડમાં તન-મન-ધનનું તાદાત્મ્ય સાધવું ઘણું મુશ્કેલીભર્યું બની ગયું છે. તે સ્થિતિમાં મેડિટેશન દ્વારા માનસિક થાક ઓછો થતાં આપણે અનેક રીતે સફળતા મેળવી શકીએ. એટલે કે મેડિટેશન, આત્મવિશ્વાસ, સંકલ્પ બળ દ્વારા માનસિક એકાગ્રતા વધારતાં, ધ્યાનયોગ દ્વારા માનસિક શાંતિની સાથે સાથે નવાં જોમ અને તાજગી તેમજ ઉત્સાહનો સંચાર થાય છે. 
 
જો તમને કોઇ ચિંતા હોય કે ઊંઘ ન આવતી હોય, આવામાં જો તમે કોઇ ડોક્ટરનો સંપર્ક કરશો તો તેઓ પણ તમને મેડિટેશન કરવાની સલાહ આપશે. જેમાં એકાગ્રતાની ઊણપ હોય છે તેઓ ખૂબ જ ચિંતિત, ઉદાસ, ચિડચિડિયા અને હતાશ રહે છે. કેટલાંક લોકો અપરાધ ભાવના અને હીનભાવનાનો શિકાર પણ થઇ જાય છે. આત્મવિશ્વાસની ઉણપ અને અસુરક્ષાની ભાવના, ગુસ્સો, ગભરામણ વગેરે વધી જાય છે. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શરીરમાં ઘર કરે છે. જેથી આજે અમે તમને ધ્યાન એટલે કે મેડિટેશન કરવાથી કેવા ફાયદા થાય છે, મેડિટેશનના ફાયદા શું-શું છે આ બધું જણાવીશું.
 
ધ્યાન એટલે શું?
 
ધ્યાન એટલે કુદરત સાથે સંવાદિતા સાધવી; ધ્યાન એટલે પરમ શાંતિ; ધ્યાન એટલે મનના વિક્ષેપો, વિચારો કે વિકારોને મનની આંતરિક શાંતિની અનુભૂતિના રસ્તામાં ન આવવા દેવાની પ્રક્રિયા. આમ, ધ્યાનને અનેક રીતે વર્ણવી શકાય છે.
 
આપણું મન અને સમગ્ર વિશ્વમાં એક પરમ શાંતિનું તત્વ છવાયેલું હોય છે. જયારે શરીર અને મન, કુદરત સાથે સંવાદિતા સાધીને રહે છે; માનસિક વિચારો કે વિકારો આ શાંતિથી મનને દૂર ન લઇ જાય એની કાળજી રાખવામાં આવે છે - ત્યારે શાંતિ મેળવવાની પ્રક્રિયા શક્ય બને છે જેને ધ્યાન એટલે કે મેડિટેશન કહેવામાં આવે છે.
 
ધ્યાનની પદ્ધતિ:
 
ધ્યાન એ મોટી સાધના છે; અમુક સિદ્ધ પુરુષો કે ઋષિ-મુનિઓ જ ધ્યાન કરી શકે એ ખોટી માન્યતા છે. ધ્યાન એ મનની સહજ સ્થિતિ છે જેને પ્રાપ્ત કરવાનું દરેક માણસ માટે શક્ય છે એટલું જ નહીં પણ એ સહેલું પણ છે.
 
ધ્યાનની અનુભૂતિ માટે જે રીતે શરીરને ફાવે અને સ્થિરતા પૂર્વક લાંબો સમય ટટ્ટાર કરોડરજજુ રાખીને બેસી શકાય એ રીતે બેસવું જોઇએ. સુખમ્ સ્થિરમ્ આસનમ્. સુખપૂર્વક - સ્થિરતાથી બેસી શકાય એવું આસન પસંદ કરવું જોઇએ. તમને સાદી પલાંઠી વાળીને બેસવાનું ન ફાવે તો ખુરશીમાં ટટ્ટાર બેસો; નહીં તો પદ્માસનમાં કે સિદ્ધાસનમાં કે વજ્રાસનમાં - જેમ ફાવે તેમ ટટ્ટાર સ્થિરતા પૂર્વક બેસો.
 
હવે આંખો બંધ કરી દો. તમારા મનમાં અનેક જાતના વિચારો આવ્યા કરશે. આ વિચારો પાછળ દોરવાઇ ન જાઓ. વિચારોને આવવા દો અને નિરપેક્ષ-નિષ્કામભાવે એને પસાર થઇ જવા દો. ન વિચારોને રોકવાનો પ્રયત્ન કરો-ન એની પાછળ દોરવાઇ જાઓ. જાણે કે ફિલ્મ જોતા હો તેમ એક પછી એક વિચારોને આવવા દો અને પસાર થઇ જવા દો. ધીમે ધીમે વિચારોનું પ્રમાણ આપોઆપ ઘટતું જશે. આ પ્રક્રિયાની સાથોસાથ, ધીમેધીમે ઊંડા શ્વાસોચ્છવાસ લેવાની શરૂઆત કરી દો. દરેક શ્વાસની સાથે પેટની દિવાલ ધીમેથી બહાર તરફ ધકેલાવી જોઇએ અને ઉચ્છવાસની સાથે અંદર તરફ જરા પણ ઝાટકા વગર, લયબદ્ધ, ધીમેધીમે ઊંડા શ્વાસોચ્છવાસ લેતા રહો. તમારું બધું જ ધ્યાન શ્વાસોચ્છવાસ પર જ કેન્દ્રિત થશે. 
 
ધ્યાન (મેડિટેશન)થી થતાં ફાયદા
 
ધ્યાન એક એવી ક્રિયા છે જે તણાવને ઝડપથી દૂર કરે છે. એક રિસર્ચ પબ્લિકેશનમાં બતાવવામાં આવ્યું છે કે મેડિટેશન, તણાવને ઓછું કરે છે અને દિમાગને શાંત કરે છે, તેને કરવાથી શરીરનું કોર્ટિસોલ હોર્મોન યોગ્ય માત્રામાં રહે છે.
 
મેડિટેશન કરવાથી આપણે પોતાને જાણી શકીએ છીએ. ખરા-ખોટાની ખબર પડે છે.
 
સાંધાના દુખાવાથી ગ્રસિત લોકો એક સર્વે મુજબ જો નિયમિત રીતે મેડિટેશન કરે છે તો તેમને આરામ મળે છે. આનાથી તણાવ અને થાકમાં પણ રાહત મળે છે.
 
મગજને સુરક્ષાત્મક રીતે બદલે છે. જો કોઇ પણ વ્યક્તિ નિયમિત રીતે મેડિટેશન કરે છે તો દિમાગને સુરક્ષાત્મક રીતે બદલી શકે છે જેનાથી તેને કોઇ પણ નુકસાન નથી થતું. સકારાત્મક દ્રષ્ટિકોણ આવશે અને તેમના વિચાર પણ સારા રહેશે.
 
મેડિટેશન ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું કરે છે પાંચમાંથી એક ગર્ભવતી મહિલાને ડિપ્રેશન થાય છે, એવામાં તેમને મેડિટેશન કરવાથી આરામ મળે છે. મેડિટેશન એક પ્રકારનું માઇન્ડને કૂલ રાખનાર યોગા છે જે શરીરમાં સકારાત્મક ઉર્જાને એકત્રિત કરે છે.
 
ટીનેજરમાં ડિપ્રેશનની સમસ્યા દૂર કરે છે. ટીનએજર્સને લાગે છે કે દુનિયાની તમામ સમસ્યા તેમને જ છે. તેઓ ખૂબ જ તણાવમાં રહે છે. જો તેઓ નિયમિતપણે મેડિટેશન કરે તો તણાવ દૂર થશે અને ખુશ રહેશે.
 
વજન ઘટાડવામાં સહાયક હોય છે. મેડિટેશન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. એક સર્વે અનુસાર, આ વાત સામે આવી છે કે જે લોકો વજન ઘટાડવાના ઇચ્છુક હોય તેઓ જો મનથી મેડિટેશન કરે તો તેઓ આનો લાભ લઇ શકે છે. 
 
ઊંઘ આવવામાં મદદરૂપ હોય છે. જો કોઇને અનિંદ્રાની સમસ્યા હોય તો ચોક્કસ મેડિટેશન કરવું. મેડિટેશન કરવાથી મૂડ અને ઇમોશન કંટ્રોલમાં રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.
 
સંગીત સાંભળવું ગમતું હોય તો મેડિટેશનને કરવાથી સંગીતમાં રસ વધે છે અને આપણને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે.
 
તમે ઘણીવાર તમારો કંટ્રોલ ગુમાવી બેસો છો, હાઈપર થઈ જાઓ છો તો જેમાં મેડિટેશન કરવાથી ફાયદો થાય છે. આનાથી શરીરમાં ચેતના, દિમાગમાં તાજગી અને મનમાં સ્ફૂર્તિ આવે છે.