સાબરકાંઠામાં સર્જાયો સ્વચ્છતાના શપથનો વિશ્વ રેકોર્ડ

24 Dec, 2014

સાબરકાંઠા જિલ્લાના 4,01,155થી વધુ લોકોએ મંગળવારે એક સાથે સ્વચ્છતાના શપથ લઇ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવા જિલ્લા તંત્રએ દાવો કર્યો છે. આ અગાઉ 10 મહિના પૂર્વે તમિલનાડુના ચેન્નાઇમાં 1,22,586 શપથનો રેકોર્ડ નોંધાયો હતો. મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત હિંમતનગર સહિત જિલ્લાભરમાં એકસાથે 1890 કેન્દ્રો પર આ શપથ લેવાયા હતા. જેનું ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના તજજ્ઞોની 10થી વધુ ટીમો દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું.

આ અવિસ્મરણીય ઘટનાના શાળા-કોલેજના યુવક- યુવતીઓ, સરકારી કર્મચારીઓ, સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ સહિત જિલ્લાવાસીઓ સહિત સાક્ષી બન્યા હતા. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગર સ્થિત ગ્રોમોર સંસ્થા પરિસરમાં પ્રભારી મંત્રી રજનીભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રાજુભાઇ ચાવડા, જિલ્લા કલેકટર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી નાગરાજન, સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવીબેન દવે સહિત અધિકારીઓ,પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
 
સ્વચ્છતાના મિશનને સફળ બનાવવા હાકલ

સાબરકાંઠામાં સ્વચ્છતા મહાઅભિયાનનો પ્રારંભ મંગળવારે હિંમતનગર ખાતે આવેલી ગ્રોમોર સંસ્થાના પરિસરમાં ગૃહ રાજય અને પ્રભારી મંત્રી રજનીકાન્ત પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રીએ જણાવ્યુ હતું કે રાજયમાં સ્વચ્છતા ઝૂંબેશની સૌપ્રથમ પહેલ સાબરકાંઠામાં કરાઈ છે.
 
મહાત્મા ગાંધી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અંગેની ચિંતા કરી નાગરિકોની જનભાગીદારી થકી શહેરી હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ વિસ્તારોમાં સ્વચ્છતા ઝૂંબેશની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે સાબરકાંઠાના નાગરિકો સ્વચ્છતા મિશનને સફળ બનાવે તેવી અપીલ કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય રાજુભાઇ ચાવડાએ પણ નાગરિકોને જોડાવાની અપીલ કરી હતી. દરમિયાન ત્યારે અવરલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી અને ભિલોડામાં પણ શૈક્ષણિક સંસ્થાઓએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વયંભૂ કાર્યક્રમ યોજી જાગૃતિનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

એન્ડ્રોઇડ એપ્લીકેશનનું લોકાર્પણ
 સાબરકાંઠા જિલ્લાના ટેકનો સેવી ડીજીટલ કેમ્પેઇન એવોર્ડ વિજેતા જિલ્લા વિકાસ અધિકારી એમ.નાગરાજન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવીબેન દવે દ્વારા સ્વચ્છતા મહાઅભિયાન પ્રસંગે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ.બીઆટી.એલવાય/સીએલઇએન_એસ.કે. એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશનની જાહેરાત કરીને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેના માધ્યમથી કેટલા વ્યકિતઓએ ભેગા મળી સંકલ્પ લીધા છે તે જાણી શકાશે અને ભવિષ્યમાં નાગરિકો જે જગ્યા દત્તક લઇ સફાઇ કરવાના છે તેનું પણ જીપીએસ લોકેશન રેકર્ડ કરી શકાશે અને ગંદકીની ફરિયાદ પણ થઇ શકશે.
 
લોકોએ કયા શપથ લીધા
 મારા ઘર, ફળિયા અને શેરીને સ્વચ્છ રાખીશ, અઠવાડિયામાં બે કલાક સ્વચ્છતા કાર્ય પાછળ શ્રમદાન કરીશ, પ્લાસ્ટિકની કોથળી, કાગળ કે કોઇ ગંદકી દેખાય તો સાફ કરવાના પ્રયાસો કરીશ, જાહેરમાં ગંદકી કે કચરો નાખીશ નહીં અને જો કોઇ આવું કરશે તો તેને સમજાવીશ.

 

Loading...

Loading...