હાઈ પ્રોફાઈલ-ગ્લોબલ બનશે વાઈબ્રન્ટ

17 Dec, 2014

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015માં યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાદ હવે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશ પ્રધાન) જ્હોન કેરીએ પણ હાજર રહેવાની સહમતિ આપતાં જાન્યુઆરીમાં યોજાનારી સાતમી વાયબ્રન્ટ સમિટ ખરા અર્થમાં હાઈપ્રોફાઈલ અને ગ્લોબલ બની રહેશે. નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએે આપેલા આમંત્રણનો સ્વીકાર કરી અમેરિકાના વિદેશપ્રધાન જ્હોન કેરી પણ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહી સહભાગી બનશે. તેમની સાથે ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેથલિન સ્ટીફન તથા અમેરિકાની અગ્રણી કંપનીઓના અધિકારીઓ સહિતનું 80-90 સભ્યોનું ડેલિગેશન પણ સમિટમાં ભાગ લેશે.

અગાઉ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂને વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાના રાજ્ય સરકારના આમંત્રણને માન આપી પોતાની સહમતિ દર્શાવી છે. વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા ડેલિગેશનમાં અમેરિકાની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ ઉપરાંત યુએસ આઈબીસીના અધ્યક્ષ અને માસ્ટર કાર્ડના સીઈઓ અજય બંગાનો પણ સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
 
આગમન : 10 મુખ્યમંત્રીઓનું

પ્રવાસી ભારતીય દિવસ અને વાયબ્રન્ટ સમિટ દરમિયાન જે રીતે વિવિધ દેશોના મહાનુભાવોને ગુજરાત સરકાર દ્વારા આમંત્રણો પાઠવાયાં છે તે જ રીતે દેશનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ સહભાગી બનવા નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે. આમ આ બંને પ્રસંગો દરમિયાન કમસે કમ 10 કરતાં વધુ રાજ્યોનાં મુખ્યમંત્રી અને તેમાં પણ ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોના સીએમનું ગુજરાતમાં આગમન થાય તેવી પૂરી શક્યતા રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.
 
પ્રેઝન્ટેશન : હાઈ-ટી બેઠકમાં

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ બુધવારે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે એક હાઈ-ટી બેઠક યોજવાના છે, જેમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. મંગળવારે સવારે નાણામંત્રી ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ, ઉદ્યોગ સચિવ વગેરે સાથે મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને એક સમીક્ષા બેઠક યોજી હતી અને તેમાં આ પ્રેઝન્ટેશનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી બુધવારે ઉદ્યોગપતિઓને મળશે.