કચ્છનું રણ સફેદ કેમ છે? જાણો તેની પાછળનું કારણ અને ત્યાંની અન્ય રસપ્રદ વાતો

29 Nov, 2015

 આજકાલ લોકોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બની રહેતું આ કચ્છનું રણ ખરેખર અજબ છે. આખા રણમાં જાણે સફેદ કલરની ચાદર પાથરી હોય તેટલું સુંદર અને સફેદ દેખાય છે. આ રણને કચ્છનું મોટું રણ કે કચ્છનું સફેદ રણ પણ કહેવામાં આવે છે. કચ્છના રણના અમુક ભાગો પાકિસ્તાનમાં પણ આવેલા છે. તો ચાલો જાણીએ કચ્છના રણ વિશે થોડી અવનવી વાતો.

  • કચ્છનું મોટું રણ એ ૩૦,૦૦૦ ચોરસ કિમી.નું ક્ષેત્ર છે, જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ કળણ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને પણ સ્પર્શે છે.
  • દરિયાઈ અતિશય ક્ષારવાળા પાણીને કારણે કચ્છના રણમાં મીઠા અને ક્ષારનો ભાગ વધારે હોવાથી કચ્છનું રણ આખું સફેદ કલરનું દેખાય છે.
  • ભારત અને પાકિસ્તાન બંનેમાં ફેલાયેલ કચ્છનું રણ એકમાત્ર જગ્યા છે જ્યાં સુરખાબ નામનું પ્રાણી જોવા મળે છે. વળી, લાવરીની ૧૩ પ્રજાતિઓ પણ કચ્છના રણમાં જોવા મળે છે. સાથે સાથે કચ્છના રણમાં જંગલી ગધેડાની વિશ્વની અંતિમ પ્રજાતિ પણ જોવા મળે છે. સાથે સાથે શિયાળ, સોનેરી શિયાળ, ચિકારા, નીલ ગાય તથા કાળિયારનો પણ સમાવેશ થાય છે.
  • કચ્છના રણનો અમુક વિસ્તાર પાકિસ્તાનમાં પણ આવતો હોવાના કારણે અહીં એક રાષ્ટ્રીય સીમા નક્કી કરી છે. આ સીમા ઉપર ભારતના જવાનો દ્વારા કડક બંદોબસ્ત રાખેલો છે, જેથી પર્યટકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે.
  • કચ્છના રણમાં રોજે બે ઋતુ જોવા મળે છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ખૂબ ઠંડી.
  • જેમ જેમ રાત્રિ ઢળતી જાય છે તેમ તેમ કચ્છનું રણ જીવંત બનતું જાય છે, કારણ કે, રાત પડતાં અહીં ઉત્સવની શરૂઆત થાય છે.
  • અહીં પર્યટકોને રહેવા માટે સુંદર ટેન્ટ અને ફાઇવસ્ટાર ટેન્ટ હોટલો બનાવવામાં આવી છે જેમાં ફાઇવસ્ટાર હોટલ જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે.
  • કચ્છના રણમાં રાત્રિના સમયે ગીત સંગીતનો શાનદાર પ્રોગ્રામ થાય છે. જેમા કચ્છી નૃત્ય તેમજ અલગ અલગ પ્રદેશના ફોક ડાન્સનો સમાવેશ થાય છે.
  • બોલિવૂડના ડાયરેક્ટર્સ માટે પણ કચ્છનું સફેદ રણ ખૂબ પ્રિય સ્થળ રહ્યું છે. ઘણાં બધા ડાયરેક્ટર્સે અહીં પોતાની ફિલ્મનાં શૂટિંગ કર્યાં છે. આમ, કચ્છનું રણ ફરવા માટે ખરેખર એક સુંદર જગ્યા છે.