સંબંધોને વધુ મજબૂત બનાવવા આ રીતે કરો અદભુત કપલ યોગા

18 Jun, 2015

વ્યસ્ત જીવનશૈલીમાં એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો ખૂબ ઓછા લોકોને જ મળતો હોય છે. તો પછી આ દોડધામવાળી જિંદગીમાંથી અમુક પળો એવી નીકાળીએ જેમાં સ્વાસ્થ્યની સાથે-સાથે સંબંધો પણ મજબૂત થાય. કપલ યોગ એક એવી જ પદ્ધતિ છે, જેને અપનાવી તમે તમારા પાર્ટનર સાથે તમારા સંબંધો મજબૂત કરી શકો છો. માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ આધ્યાત્મિક સ્તરે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.


આજે દુનિયાભરના લોકો યોગ પ્રત્યે જાગરૂક થઈ રહ્યાં છે અને મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આજે અમે તમને યોગની અનોખી એડવેન્ચર પોઝીશન બતાવીશું જેને અપનાવી તમે અને તમારા પાર્ટનર બંને સ્વસ્થ રહી શકો છો. આજે યુવાનો વચ્ચે કપલ યોગ બહુ જ લોકપ્રિય બની ગયો છે. હોલિવૂડ જ નહીં બોલિવૂડ પણ તેનાથી અજાણ નથી રહ્યું. હોલિવૂડનાં એન્જેલિના જોલી અને બ્રાડ પિટ હોય કે પછી બોલિવૂડનાં કરીના અને સેફ બધા જ આ કોન્સેપ્ટથી પ્રભાવિત જોવા મળે છે, જો તમે પણ ફિટનેસની સાથે સાથે તમારા સંબંધોને મજબૂત કરવા ઇચ્છતા હોવ તો અહીં દર્શાવેલી એક્સરસાઇઝ એક વખત ચોક્કસ અપનાવી જુઓ.
શું છે કપલ યોગ?
 
કપલ યોગ એક એવી પદ્ધતિ છે જેમાં બે લોકો સાથે મળીને એક્સરસાઇઝ કરે છે. તેને પતિ-પત્નીના સિવાય મિત્ર સાથે પણ કરી શકાય છે. તમે તમારા ઓફિસ કલીગ સાથે પણ કરી શકો છો. તેનાથી ટીમ ભાવના પણ જન્મે છે. આવા યોગ કરવાથી પરસ્પર સમજણશક્તિ, વિશ્વાસ અને એકબીજા માટે લાગણીઓ વધે છે. આમાં અમુક પોશ્ચર એવાં હોય છે જેમાં તમારે તમારા પાર્ટનર ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે.
 
શા માટે જરૂરી છે?
 
- એકબીજાને સમજવા અને સારા સંબંધો વિકસાવવા.
- એકબીજા સાથે ખુશહાલ સમય વિતાવવા અને એકબીજાની હાજરીને મહેસૂસ કરવા માટે.
- આ એક્સરસાઇઝ દ્વારા શરીરમાં લચક આવે છે, માંસપેશીઓ મજબૂત થાય છે અને તે ટોન થાય છે.

 
- તેમજ મેટાબોલિઝમ સિસ્ટમ સારી થાય છે.
 
ત્રિકોણાસન
 
પાર્ટનરની સાથે ઊભા થઈ જાવ. પગને લગભગ એક મીટરના અંતરે પહોળા કરો. હવે એક પગના પંજાને બહારની તરફ ફેરવો. શ્વાસ લેતા બંને હાથને ખભા સુધી ઊંચા કરો. હવે શ્વાસ છોડતી વખતે જે પગના પંજા બહારની તરફ લીધા હતા તે બાજુ ઝૂકો. બની શકે તો તમારી આંગળીઓથી પંજાને ટચ કરો. બીજો હાથ એકદમ સીધો રાખો અને હાથ ઉપાડતી વખતે હાથની તરફ જુઓ. આ સ્થિતિમાં ૩૦ સેકન્ડ સુધી રહો. પછી પૂર્વ સ્થિતિમાં આવી આ પ્રક્રિયા બીજી તરફ પણ કરો.
 
ફાયદા
 
- આ આસન કમરને ટોન કરે છે.
- આ આસનથી પગની માંસપેશીઓ સ્ટ્રેચ થાય છે અને આરામ મળે છે.
 
ધનુરાસન
 
તમારા પાર્ટનરને જમીન પર પેટના બળે સુવાડો. પછી તમે તેમની કમર પાસે તમારા બંને પગ કરી ઊભા રહી જાવ. પાર્ટનરને ઘૂંટણ વાળવા અને માથું ઊંચું કરી તેમના હાથેથી પગને પકડવાનું કહો. આ ક્રિયામાં તેમની મદદ કરો અને જ્યારે તે ટાઇટથી પગ પકડી લે ત્યારે હાથ અને પગને લોક કરેલા ભાગને જેટલું બને એટલું ઊંચું કરો. ધીમે-ધીમે પૂર્વવત્ સ્થિતિમાં આવો.
 
ફાયદા
 
- તેનાથી મણકાના હાડકાંમાં લચક વધે છે. થાઇમ્સ ગ્લેંડ સ્ટ્રેચ થાય છે, જે તમારા શરીરમાં અન્ય ગ્રંથિઓને સપોર્ટ કરે છે. તેમાં પેટની આજુબાજુની ચરબી પણ ઓછી થાય છે.
 
નોટ
 
જો તમે આ આસન કરવામાં સક્ષમ હોવ તો જ કોશિશ કરવી.
 
ભુજંગાસન
 
પેટના બળે સૂઈ જાવ. હથેળીઓને છાતી પાસે રાખી ઊંડો શ્વાસ લેતા ઉપરની તરફ ઊઠો. તમારા પંજા જમીનમાં અડે અને બાકીનું શરીર હવામાં હોય. શરીરનો બધો જ ભાર હથેળી અને પંજા ઉપર મૂકો. આંખો બંધ કરી ચહેરો સામે રાખો. થોડી વાર આ પરિસ્થિતિમાં રહો પછી પૂર્વવત્ સ્થિતિમાં આવી જાવ. આવું ૨થી ૩ વાર કરો.
 
ફાયદા
 
- તેનાથી પગનું ટોનિંગ અને ટમી સ્ટ્રેચ થાય છે.
 
- મેટાબોલિઝમ સારું થાય છે. અસ્થમામાં પણ બહુ જ ફાયદેમંદ છે.
 
લેગ્સ સ્ટ્રેચિંગ
 
એકબીજાની સામે પગ લાંબા કરી બેસો. ચહેરો સામે રાખો. હવે એકબીજાનો હાથ પકડી લો. પછી તમારી પાનીને પાર્ટનરની પાની જોડે અડાડી પાર્ટનરનો હાથ તમારી તરફ ખેંચતા પગને ધીમે-ધીમે ઉપરની તરફ ઉપાડો. બીજો પગ સીધો કરો. આ જ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરો.
 
ફાયદા
 
- આસનથી લેક્ટિક એસિડ સંતુલિત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે.
 
- પાર્ટનર સાથે આ આસન કરવાથી સ્ટ્રેચિંગ સારું થાય છે અને માંસપેશીઓને આરામ મળે છે. તેમજ પગનો દુખાવો પણ દૂર થઈ જાય છે.
 
બદ્ધ પદ્માસન
 
તમારા પાર્ટનરને પદ્માસનની મુદ્રામાં બેસાડો. તમે તેની પાછળ ઘૂંટણ વાળીને તમારી એડીઓ ઉપર (વજ્રાસનની મુદ્રામાં) બેસી જાવ. હવે તમારા પાર્ટનરને હાથ પાછળની તરફ ક્રોસ કરવાનું કહો. પછી તેના બંને અંગૂઠાને પકડવાનું કહો. હવે શ્વાસ લેતા પાર્ટનરને આગળની તરફ ઝુકાવો જેથી શરીર જમીનને ટચ થાય. પગના અંગૂઠા પકડવામાં પાર્ટનરની મદદ કરો. હવે આ પ્રક્રિયા પાર્ટનરની મદદ લઈ તમે કરો.
 
ફાયદા
 
- મહિલાઓને ગર્ભાશય સંબંધી સમસ્યામાં ફાયદેમંદ છે.
 
- પિરિયડ્સને નિયમિત કરે છે.
 
તેનાથી સંપૂર્ણ બોડી સ્ટ્રેચ થાય છે.
 
- ફેફસાં માટે પણ બહુ જ ફાયદેમંદ છે.