યાત્રાધામ સોમનાથમાં કાર્તિકી પૂનમના લોકમેળાનો દબદબાભર્યો પ્રારંભ

03 Nov, 2014

યાત્રાધામ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગોલોકધામના ગ્રાઉન્ડ પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળાનો રવિવારે સાંજે જિલ્લા કલેક્ટર સી. પી. પટેલના હસ્તે રંગેચંગે પ્રારંભ થયો હતો.

સોમનાથમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પ્રારંભ થયેલા પાંચ દિવસના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આધ્યાત્મિક અને સોમનાથ પ્રદર્શન ગેલેરી, રાજ્ય સરકારીની વિવિધ યોજનાઓના સ્ટોલો ઉપરાંત ચગડોળ, ખાણીપીણીના સ્ટોલો, મોટરબાઈક રેસ સહિત રોમાંચક રમતો વગેરેને મહાણવા લોકો રવિવાર સાંજથી ઊમટી પડ્યા હતા. તા. ૨જી નવેમ્બરથી તા. ૬ઠ્ઠી નવેમ્બર સુધી ચાલનારા આ લોકમેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોમવારે ધીરુભાઈ સરવૈયા, પૂનમબેન ગોંડિલયાનો લોક ડાયરો યોજાશે તથા મંગળવારે ઘનશ્યામ લાખાણી અને બુધવારે મેઘાબેન ભોંસલે તથા ગુરુવારે માયાબેન આહિર સહિતના કલાકારો મનોરંજનની રસલહાણી પીરસશે.

પ્રભાસ તીર્થ પ્રાચીન યુગથી ધર્મ અને આધ્યાત્મ, જ્ઞાન, વિજ્ઞાન અને ભારતની મહાન સાંસ્કૃતિક પરંપરાઓનો પવિત્ર ત્રિવેણી સંગમ છે. આવા પાવન ક્ષેત્રમાં યોજાતા કાર્તિકી પૂનમનો મેળો આધ્યાત્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિકનું સાત્ત્વિક મનોરંજન છે. આ લોકમેળામાં વેરાવળથી સોમનાથ જવા દર ૧૫ મિનિટે ખાસ બસો દોડાવવામાં આવશે. લોકમેળામાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસઆરપી અને હોમગાર્ડના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

મેળાના પાંચેય દિવસ સુધી રાત્રિના ભાવિકો દર્શનનો લાભ લઈ શકે તે માટે દર્શનનો સમય વધારી પ્રથમ ચાર દિવસ રાત્રિના ૧૧ વાગ્યા સુધી અને કાર્તિકી પૂનમના દિવસે રાત્રે ૧૨ વાગે મહાપૂજા બાદ રાત્રે એક વાગ્યા સુધી દર્શન માટે સોમનાથ મંદિર ખુલ્લું રહેશે.