Gujarat

ઔદ્યોગિક ટુરિઝમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્‍ય બન્‍યું

 ગુજરાત સરકારે પોતાની ઔદ્યોગિક પ્રગતિ દર્શાવવા માટે દેશમાં પહેલી વાર ઔદ્યોગિક ટૂરિઝમ શરૂ કર્યું છે. આ ટૂરના પેકેજમાં રાજયનાં મુખ્‍ય ઔદ્યોગિક સ્‍થળો દર્શાવવામાં આવે છે. તાજેતરમાં શરૂ કરાયેલી ટૂર દરમ્‍યાન સાણંદનો તાતા નેનો પ્‍લાન્‍ટ, અમરેલી નજીકનો પીપાવાવ પોર્ટ, ભાવનગરનું અલંગ શિપબ્રેકિંગ યાર્ડ તથા આણંદની અમૂલ ડેરી બતાવવામાં આવે છે.

   ‘ઇન્‍ડસ્‍ટ્રિયલ ટૂર ઓફ ગુજરાત'નામ સાથે શરૂ કરાયેલું પેકેજ રાજયની પર્યટન વિકાસ માટેની સંસ્‍થા ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ના સત્તાવાર સહભાગી અક્ષર ટ્રાવેલ્‍સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓફર કરવામાં આવ્‍યું છે.

   અક્ષર ટ્રાવેલ્‍સના મેનેજિંગ ડિરેક્‍ટર મનીષ શર્માએ આ સંદર્ભમાં કહ્યું હતું કે શ્નભારતમાં આ પ્રકારનું પ્રથમ ટૂર-પેકેજ શરૂ કરવાનો ઉદ્દેશ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દર્શાવવાનો છે. તાજેતરમાં વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ પૂરી થયા બાદ વિશ્વભરના લોકોએ ગુજરાતની સિદ્ધિઓ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવાની ઉત્‍સુકતા દાખવી છે, કારણ કે હવે રાજયને ભારતનું ઔદ્યોગિક કેન્‍દ્ર ગણવામાં આવે છે. આથી અમે રાજય સરકારને આ ટૂરનો વિચાર જણાવ્‍યો અને સરકારે એનો સ્‍વીકાર કર્યો. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે ચીન અને જર્મનીમાં આવી ટૂર ઘણી યોજાય છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર હોવા છતાં લોકોને હજી અહીંના ઉદ્યોગોના વાસ્‍તવિક કદની જાણ નથી.

   ટૂરની વિગતો આપતાં મનીષ શર્માએ જણાવ્‍યું હતું કે ‘સાણંદનો તાતા નેનો પ્‍લાન્‍ટ, મોરબીનો સિરામિક ઉદ્યોગ તથા અજંતા ક્‍લોકની એશિયાની સૌથી મોટી ફેક્‍ટરી વગેરે સહિતનાં અનેક સ્‍થળોમાંથી પર્યટકો પસંદગી કરી શકે છે. આ ઉપરાંત જામનગરની રિલાયન્‍સની રિફાઇનરી, મીઠાપુરનો તાતા કેમિકલ્‍સનો પ્‍લાન્‍ટ, અલંગનું યાર્ડ, પીપાવાવ પોર્ટ, અંકલેશ્વરનો એશિયન પેઇન્‍ટ્‍સનો પ્‍લાન્‍ટ, અમદાવાદની અરવિંદ મિલ્‍સ, આણંદની અમૂલ ડેરી સહિતનાં અન્‍ય દ્યણાં સ્‍થળોની ટૂર કરી શકાય છે. અમે પર્યટકોને ઓખા નજીકના મીઠાના અગર, મહેસાણાના કડીનો કપાસ ઉગાડતો વિસ્‍તાર, સુરતનો હીરાઉદ્યોગ કે ટેક્‍સટાઇલ્‍સ ઉદ્યોગ, હજીરાનો પ્‍લાસ્‍ટિક ઉદ્યોગ જોવા પણ લઈ જઈએ છીએ.'

   TCGLઆ ટૂરના આયોજનમાં તમામ આવશ્‍યક મદદ કરે છે. એનાં જનસંપર્ક અધિકારી ખ્‍યાતિ નાયકે જણાવ્‍યું હતું કે, ‘ઉક્‍ત ઉદ્યોગગૃહો તથા અન્‍ય ખાતાંઓની મંજૂરીઓ મેળવી આપવાનું કામ અમે કરીએ છીએ. ટૂર પેકેજને વહીવટી તથા માર્કેટિંગ સપોર્ટ પણ પૂરો પાડીએ છીએ.'

   ટૂર પોતપોતાની આવશ્‍યકતા અનુસાર ગોઠવી શકાય છે. પાંચ દિવસની ટૂરના વીસેક હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. ઓન્‍ટ્રપનર્સ તથા વ્‍યવસાયી અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓને ટૂર ઘણી ગમે છે. ચીન, જર્મની, સિંગાપોરના લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્‍યો છે, કારણ કે તેમને ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જોવામાં ઘણો રસ પડે છે.

Releated News