સંબંધો માટે ખતરનાક છે સેલ્ફીનું એડિકશન. આ છે તેના સાઇડ ઇફેક્ટ્સ!

21 Jan, 2016

 

 
સેલ્ફી એક નવો શોખ છે આજના યંગસ્ટરનો, જે પોતાને મોડર્ન અને સ્ટાઇલિશ કહે છે. મોબાઇલના ફ્રન્ટ કેમેરાથી ફોટો પાડી તરત જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર અપલોડ કરી દેવો અને પછી શરૂ થાય લાઇક્સ અને કોમેન્ટ્સનો સિલસિલો. યુવાનો માટે આ એક મજેદાર ગેઇમ બની ગઈ છે, પરંતુ શું ખરેખર આ એક મજેદાર ગેઇમ છે? સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર કંઈ પણ પોસ્ટ કરતા પહેલાં તેના વિશે સરખી રીતે વિચારી લેવું જોઈએ.
 
ફોટા પર વધુ લાઇક અને કોમેન્ટ્સ ન મળવા પર થાય છે નિરાશા
 
આજના આધુનિક સમયમાં સેલ્ફી એક ફોટોગ્રાફિક ટ્રેન્ડ બની ચૂક્યો છે. યુવાનોથી માંડી કિશોરો પણ ફેસબુક અને ટ્વિટર ઉપર પોતાનો સેલ્ફી અપલોડ કરતા દેખાઈ આવે છે. આ નવો શોખ તેમનામાં ઘણી વખત ગાંડપણ બની જતું હોય એવું લાગે છે. ઘણી વખત તો જો તેમને પોતાના ફોટો ઉપર વધુ લાઇક્સ અને કોમેન્ટ્સ ન મળે તો તેઓ નિરાશ થઈ જાય છે અને તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો થતો જોવા મળે છે. તેઓ એવું પણ વિચારવા લાગે છે કે તેઓ ફોટોજેનિક અને સુંદર નથી.
 
સંબંધો પણ થાય છે પ્રભાવિત
 
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર સેલ્ફીઝનું વધુ પડતું શેરિંગ સંબંધો માટે સારી બાબત નથી. આખો દિવસ એક સારો સેલ્ફી લઈ તેને અપલોડ કરવો સંબંધો ઉપર ભારે પડે છે. સ્કોટલેન્ડમાં ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની આદત ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં સેલ્ફ, ફ્રેન્ડ્સ, ઇવેન્ટ, ફેમિલી, કલીગ્સ અને નેચર ઉપર કરવામાં આવેલી કોમેન્ટ્સ ઉપર તારણ કાઢવામાં આવ્યું હતું, જેમાં મિત્રો, પાર્ટનર, કલીગ્સ, સંબંધીઓ અને અન્ય સોશિયલ મીડિયાના મિત્રો હતા. તારણમાં જાણવા મળ્યું કે સેલ્ફ ફોટોઝ અપલોડ કરવાથી સંબંધોમાં લાગણીઓ ઓછી થતી જાય છે. લોકો માટે સોશિયલ સાઇટ્સ એક ફન ટાઇમ છે, પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં શું શેર કરવું અને તેની અસર કેવી પડી શકે છે.
 
સમજણશક્તિનો અભાવ
 
ફોટો ઉપર સારી ખરાબ કોમેન્ટ્સ અને લાઇક્સ માટે યુવાનો અને કિશોરો માનસિક રીતે તૈયાર નથી હોતા, જેના પરિણામે સર્જાય છે અણગમતા બનાવો. મિત્રો તેમના ફોટો ઉપર મજાક કરવા માટે ખરાબ કોમેન્ટ્સ જેમ કે, તું જાડી લાગે છે, તારા વાળ ખરાબ દેખાય છે, તારો ચહેરો ભયાનક લાગે છે જેવી અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતા હોય છે, જે આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. યુવાનો તો અમુક અંશે તેને હેન્ડલ કરી લે છે, પરંતુ આવી કોમેન્ટ્સની બાળકો ઉપર આડઅસર થતી હોય છે. તેઓ લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે.
 
 
ટેક્નોલોજીનું એડિક્શન છે ખરાબ
 
છેલ્લાં ૪થી ૫ વર્ષમાં બાળકોમાં ટેક્નોલોજીનો ક્રેઝ વધ્યો છે. સ્કૂલમાં ભણતાં બાળકો પણ એન્ડ્રોઇડ ફોન વાપરતાં થયાં છે. ઇન્ટરનેટ ઉપર મિત્રો સાથે ચેટિંગ કરવામાં તેમનો એટલો બધો સમય પસાર થઈ જતો હોય છે કે તેમને પોતાનું સ્કૂલનું ભણવાનું પણ યાદ નથી રહેતું અને જ્યારે સ્કૂલમાં મિત્રોને મળે ત્યારે પણ એકબીજાની કોમેન્ટ્સની જ ચર્ચાઓ થતી હોય છે.
 
ફોટો અપલોડ કરતાં જ તેઓ કોમેન્ટ્સની રાહ જોવા લાગે છે અને જો તરત કોમેન્ટ્સ ન આવે તો બેચેન થવા લાગે છે. જો ખરાબ કોમેન્ટ્સ મળે તો બાળક હર્ટ થઈ જાય છે. ખરાબ કોમેન્ટ્સ આવવા ઉપર બધા તેને વાંચી લેશે એનો ડર તેમને વધુ સતાવતો હોય છે. માતા-પિતા જ તેમનાં બાળકોના હાથમાં મોબાઇલ પકડાવી દે છે એમ કહીને કે તેનો દુરુપયોગ ન થવો જોઈએ, પરંતુ તેમને એવું કહેવામાં જ નથી આવતું કે જો તેનો દુરૂપયોગ થાય તો કેવી-કેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને એના લીધે જ સમસ્યાઓ વધે છે.

Loading...

Loading...