દેશમાં અર્ધવાર્ષિક ગાળામાં ભરતીમાં પ્રોત્સાહક માહોલ જોવાશે: અભ્યાસ

01 Aug, 2015

દેશમાં આગામી અર્ધવાર્ષિક ગાળામાં એમ્પ્લોયર્સ તેમના કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા તેમજ વર્તમાન કર્મીઓના વળતરમાં વધારો કરવા અંગે વિચારી રહ્યા છે. જોબ પોર્ટલ કરિઅરબિલ્ડર ઈન્ડિયાના મતે ચાલુ કેલેન્ડર વર્ષના બાકીના છ માસના ગાળામાં નોકરીદાતાઓ કાયમી તેમજ હંગામી સ્ટાફની ભરતી માટે પ્રોત્સાહક વલણ ધરાવે છે અને રોજગારી ક્ષેત્રે માહોલ અનુકૂળ રહેશે. વેબસાઇટે તેના રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ અંદાજે ૭૩ ટકા એમ્પ્લોયર્સ પૂર્ણ કાલિન કાયમી સ્ટાફની ભરતી કરવા વિચારી રહ્યા છે તેમજ ૬૦ ટકાએ હંગામી અથવા કોન્ટ્રાક્ટ કર્મીઓની ભરતી કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

"સંસ્થામાં ભરતી માટેની રણનીતિની દ્રષ્ટિએ સ્થાનિક નોકરીદાતાઓ વૈશ્વિક સંગઠનો કરતા અનેક ડગલાં આગળ જોવા મળે છે અને બાકીના ત્રણ ત્રિમાસમાં ભારતીય કંપનીઓ વધુ કાયમી તેમજ હંગામી કર્મચારીઓની ભરતી કરશે. નોકરી વાંછુઓ માટે ભારતમાં પ્રોત્સાહક માહોલ જોવા મળે છે," તેમ કરિઅરબિલ્ડર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પ્રેમલેશ માચામાએ જણાવ્યું હતું. નવી રોજગારી ઉપરાંત વર્તમાન કર્મીઓ માટે પણ ખુશખબર છે. સર્વે મુજબ ૮૬ ટકા નોકરીદાતાઓએ આગામી અર્ધવાર્ષિક ગાળામાં તેમના પ્રવર્તમાન કર્મીઓના વળતરમાં વધારો કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. પોર્ટલે હાથધરેલા સર્વે મુજબ ૬૮ ટકા એમ્પ્લોયર્સ કર્મચારીઓના ભથ્થાંમાં પાંચ ટકા સુધી વધારો કરશે જ્યારે ૭૯ ટકા તેમના કર્મચારીઓના આરંભિક પગારમાં વધારો કરશે જેમાં પ્રત્યેક ૧૦ કર્મીઓમાંથી ૬ કર્મીઓના આરંભિક પગારમાં પાંચ ટકા સુધીનો વધારો કરવાનો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

આગામી બીજા અર્ધવાર્ષિક ગાળામાં ગ્રાહક સેવા તેમજ સેલ્સ આ બે ટોચના ક્ષેત્રોમાં ભરતી પ્રક્રિયા સૌથી વધુ રહેવાની સંભાવના છે. સર્વે મુજબ આગામી ૧૨ મહિનામાં ૪૬ ટકા કર્મીઓએ તેમના વર્તમાન કાર્યસ્થળને છોડી નવી નોકરીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે કર્મચારીઓએ આનાથી હરખાવાની જરૂર નથી પરંતુ આ અર્થતંત્ર માટે મજબૂત સંકેત આપે છે. વર્તમાન કંપનીમાંથી નોકરી છોડવાનો કર્મીનો નિર્ધાર જોબ માર્કેટમાં મજબૂત વિશ્વાસ હોવાના સંકેત આપે છે અને વધુ ઉમદા હોદ્દો અને પગાર આપવા અન્ય સંસ્થા સક્ષમ હોવાની પણ ખાતરી મળે છે તેમ કરિઅરબિલ્ડરે સર્વેમાં જણાવ્યું હતું.