મહિલા દિવસ પર ગુજરાતમાં લોન્ચ થશે હેલ્પલાઇન ‘અભ્યમ’

07 Mar, 2015

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેન્દ્ર દ્વારા લોન્ચ કરાયેલ મહિલા હેલ્પલાઇન  ‘અભ્યમ’ ગુજરાતમાં લોન્ચ થવા જઈ રહી છે.

૮ માર્ચે રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદી બહેન પટેલ દ્વારા ગાંધીનગરના ટાઉન હોલ ખાતે તેનું લોન્ચિંગ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રજાસત્તાક દિવસ પરેડમાં એરફોર્સના વીંગને લીડ કરનાર સ્ક્વૉડ્રન લીડર સ્નેહા શેખાવત ખાસ મહેમાન તરીકે હાજર રહેશે.

‘૧૮૧ અભ્યમ’ એ દિલ્હી ગેંગરેપ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સુરક્ષાની દિશામાં લેવાય મોટી પહેલ છે, જે અંતર્ગત મહિલાઓને ૨૪/૭ હેલ્પલાઇન સુવિધાની જોગવાઈ છે. ગુજરાતમાં તે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલી હતી.

આ હેલ્પલાઇન દ્વારા શારીરિક-માનસિક ત્રાસ, મારપીટ અથવા હતાશ થયેલી મહિલાઓને ફોન પર અને જરૂર પડ્યે પીસીઆરવાન મોકલીને ઘટના સ્થળે માર્ગદર્શન આપવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા અગાઉથી કાર્યરત ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન સાથે તેને જોડી દેવામાં આવશે.

આ હેલ્પલાઇન પર મહિલા અને તેના પરિવારજનોને કાઉન્સિલિંગ, જરૂર પડ્યે નજીકના પોલીસ સ્ટેશન, મહિલા સેલ, મહિલા એનજીઓ, રેસક્યુ સેન્ટર, કાયદાની વિના મૂલ્યે માહિતી આપવામાં આવશે.