ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાય છે આ સ્થળ,જાણો છો કયુ?

26 Dec, 2015

 ભારતમાં કાશ્મીર એટલે દુનિયાનું સ્વર્ગ માનવામાં આવે છે. જેમ ભારતમાં કાશ્મીર છે તેવી જ રીતે ગુજરાતમાં પણ 'બાલારામ'ને ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. બાલારામ ખૂબ જ રમણીય સૌંદર્યધામ છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. બાલારામ પાલનપુરથી માત્ર 15 કીલોમીટરના અંતરે અમીરગઢ જવાના રસ્તા પર આવેલું છે.

 
બાલારામની દંતકથા મુજબ ભગવાન શંકરના સાનિધ્યમાં, મહાદેવના ખોળે પોતાના બાળકને મુકીને ગયેલી માતાને આજુબાજુ વન્ય જીવોની ભીતિ છતાં પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળે છે. આથી આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે. અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી મંદિર કંડારવામાં આવ્યું છે. પાસે ડુંગરમાં થી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ ને જળાભિષેક કરતું રહે છે.
 
આ સ્થળે આજે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા પામે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો અને અવિરત સતત વહેતા ધીમા ધીમા ઝરણાના કારણે અહીં માહોલ કાંઈક વિશિષ્ટ હોય છે. પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત અહીં રહેવા માટે ધર્મશાળા છે. અહીંના જોવાલાયક સ્થળોમાં નજીકમાં ધારમાતા તથા ગંગાસાગર તળાવ પણ આવેલા છે.