ગુજરાતીનો રેકોર્ડ: શિકાગોમાં ખરીદ્યું સૌથી મોંઘુ ઘર

20 Jan, 2015

બોબી જિન્દાલે ભલે હાલમાં જ સ્પષ્ટતા કરી હોય કે તેઓ ભારતીય-અમેરિકન નહીં માત્ર અમેરિકન જ છે, પરંતુ મુંબઈમાં જન્મેલા અને અમેરિકામાં વસતા સંજય શાહને પોતે 'ભારતીય-અમેરિકન' છે તેવું કહેવામાં કોઈ શંકા કે સંકોચ નથી.

શિકાગોના નિવાસી અને મૂળ ગુજરાતી સંજય શાહ હાલ શિકાગોના ટ્રમ્પ ટાવરના 89મા માળે 15,000 ચોરસ ફૂટની પ્રોપર્ટી ખરીદી ખાસ્સા ચર્ચામાં આવ્યા છે. શિકાગોના ઈતિહાસમાં સૌથી મોંઘો કહી શકાય તેવો આ સોદો 17 મિલિયન ડોલરમાં પાર પડ્યો છે. નવાઈની વાત એ છે કે, સંજય શાહે પોતે મુંબઈના જે ઘરમાં મોટા થયા હતા તે માત્ર 1200 ચોરસ ફૂટનો એક અપાર્ટમેન્ટ હતો.

સંજય શાહે આટલી મોટી સ્પેસ ખરીદ્યા બાદ તેમના પિતા પણ હેરાન છે. તેઓ તેમને એક જ સવાલ પૂછી રહ્યા છે,'આટલી મોટી જગ્યાનું તું કરીશ શું?' શાહ પોતે શિકાગોના સાઉથ બેરિંગ્નટમાં પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. તેમનું હાલનું ઘર 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

શાહે જે નવો અપાર્ટમેન્ટ ખરીદ્યો છે તેમાંથી શહેરનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકાય છે. જોકે, પોતે આ ઘરમા શિફ્ટ નથી થવાના તે તેમણે નક્કી કરી રાખ્યું છે. કારણકે, જુના ઘરેથી તેમને ઓફિસ પહોંચવામાં માત્ર બે મિનિટ લાગે છે. જ્યારે નવા ઘરેથી ઓફિસ પહોંચવા તેમને 45 મિનિટ્સ સુધી ટ્રાફિકથી ભરચક રસ્તા પરથી પસાર થવું પડે તેમ છે.

જોકે, આ ઘરને તેઓ સેકન્ડ હોમ તરીકે અથવા તો ફ્રેન્ડ્સ અને ક્લાયન્ટ્સ માટે ગેસ્ટ હાઉસ તરીકે તેમજ ફંડરેઈઝર્સ માટે હોટસ્પોટ તરીકે ઉપયોગમાં લેવાનું આયોજન કરી રહ્યા છે. શું આ માત્ર વાહ-વાહીની ઝંખનામાં કરાયેલો સોદો છે? તે સવાલનો જવાબ આપતા શાહે જણાવ્યું હતું કે,'આ એક સારો સોદો છે. આ પ્રોપર્ટીની મૂળ કિંમત 32 મિલિયન ડોલર હતી. બે વર્ષ રાહ જોયા બાદ આ સોદો પાર પડી શક્યો હતો. આ પ્રકારના સોદા કુદરતી રીતે જ થઈ જતા હોય છે.'

હાલ સોફ્ટવેર કંપની ચલાવતા શાહ અમેરિકામાં 1988માં આવ્યા હતા. તેમણે પેન્સિલવેનિયાની લેહાઈ યુનિવર્સિટીમાં એમબીએ કર્યું હતું. પ્રાઈસવોટરહાઉસકુપર્સમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરનારા શાહ તેનાથી સંતુષ્ટ નહોતા. તેમણે આ નોકરી છોડી કેનેડામાં જનરલ મોટર્સમાં નોકરી શરૂ કરી, ત્યારબાદ તેઓ જર્મનીની સોફ્ટવેર જાયન્ટ SAPમાં જોડાયા. આખરે તેમણે પોતાની જ સોફ્ટવેર કંપની શરૂ કરી.

હાલ 200 મિલિયનથી વધુ રેવન્યુ ધરાવતા શાહ પોતાને અને પોતાની કંપનીને ભારત અને અમેરિકાનું શ્રેષ્ઠ સંમિશ્રણ માને છે. તેઓ કહે છે કે,'હું દિલથી ભારતીય, દિમાગથી અમેરિકન અને કામ કરવામાં આંતરરાષ્ટ્રવાદી છું.' તેમની કંપનીમાં અમેરિકામાં 400, જ્યારે ભારત અને યુરોપમાં 300 કર્મચારીઓ કામ કરે છે. અમેરિકાના વખાણ કરતા શાહ કહે છે કે,'આવી બાબતો શક્ય હોવાથી જ અમેરિકા મહાન દેશ છે, જેમાં વિવિધ કલ્ચરના લોકો એકબીજામાં ભળી જાય છે.'

શાહ આજે પણ દર વર્ષે ચાર-પાંચ વાર ભારત આવે છે. તેઓ કર્મના સિદ્ધાંત તેમ જીવન અને મૃત્યુના ચક્રમાં વિશ્વાસ કરે છે.