મગરોનું ગામ: જ્યાં મગર છે માણસનો ‘મિત્ર’, નથી કરતો ગામલોકો પર હુમલો

23 Dec, 2015

 મગર નામ પડતા જ ભલભલા ખેરખાઓને ધણધણાટી છુટી જાય. મોટા દાંત, લાંબી કાંટાવાળી પૂંછડી અને મસમોટા શરીરની રચનાં આંખ સામે તરવા લાગે. મગર અને માણસ વચ્ચે જંગનાં અનેક વાર કિસ્સા સામે આવે છે. માણસ મગરના ઝડબામાં આવતા જ તેને પાણીમાં ખેંચી ગયા બાદ ભાગ્યે જ કોઈ બચી શકે. એટલે જ મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે. પાણીમાં મગરની તાકાત વધી જતી હોવાનું પણ માનવામાં આવે છે. પણ ગુજરાતમાં એવું પણ એક ગામ છે, જ્યાં મગર અને માણસ વચ્ચે દુશ્મનીનો નાતો નહીં પણ દોસ્તીનો નાતો છે. આ ગામને મગર મિત્ર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામમાં મગર અને લોકો સાથે મળીને રહેતા હોય તેવો માહોલ જોવા મળે છે.

 
મલાતજ ગામનાં નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે, કેમ કે અહીં મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. વિદેશમાં વસવાટ કરતા લોકોએ ગામમાં સુવિધાઓ વધારવા કરોડો રૂપિયાના દાન થકી ગામની સિકલ બદલી નાંખી છે. પણ મલાતજ ગામને મગર મિત્ર ગામ તરીકે પણ ખ્યાતી મળી છે. ‘મગરથી સાચવીએ, મગરને સાચવીએ’ આણંદ જિલ્લાના મલાતજ ગામનું આ સૂત્ર ખરા અર્થમાં સાર્થક કર્યું છે. ચરોતરનાં સોજિત્રા તાલુકાનાં આ ગામનાં તળાવમાં આશરે 70થી વધારે મગરો રહે છે.
 
આ અંગે ગામનાં સરપંચ દુર્ગેશભાઈએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગામમાં એક મોટું તળાવ છે, જ્યારે 15 જેટલા નાના તળાવો છે. પણ ગામની નજીક આવેલા મોટા તળાવમાં આશરે 70 જેટલા મગરો વસવાટ કરે છે. ગામમાં મગરો અને માણસો વચ્ચે ક્યારેય અણબનાવ બન્યો નથી. ઘણીવાર ચોમાસા કે અન્ય કારણે મગર ગામમાં પણ ચડી આવે છે, જો કે તેમ છતાં આજ દિન સુધી મગરે ક્યારેય ગામલોકો પર હુમલો કર્યો નથી.
 
ગામમાં મગર ચડી આવતા હોવાની ઘટના અંગે તેઓએ જણાવ્યું હતું કે, મગરો ગામમાં ચડી આવે તો ગામલોકો પણ તેનાંથી ડરતા નથી. મગર ગામમાં આટાં મારતા રહે અને ગામલોકો પોતપોતાનું કામ કરતા રહે. તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં મોટાભાગે તળાવ છલકાય ત્યારે મગરો ગામમાં આવી ચડતા હોવાની ઘટના બને છે. ત્યારે અમે ગામલોકોની એક ટુકડી મગરને પકડીને પાછા તળાવમાં છોડી મુકીએ છીએ. આ ઉપરાંત આજુબાજૂનાં ગામમાં પણ મગર ચડી આવ્યો હોવાની માહિતી મળે તો તેને પણ પકડીને અમે અમારા તળાવમાં અન્ય મગરો સાથે છોડી દઈએ છીએ.
 
તળાવમાં કપડાં ધોતી ગામની મહિલાઓ પર પણ મગર ક્યારેય હુમલો કર્યો નથી. ઘણી વાર મગર કાંઠે કપડાં ધોતી મહિલાઓ પાસે આવી ચડે છે. ત્યારે મહિલાઓ પાણીનો હલેચો મારતા જ મગર સડસડાટ પાણીમાં જતો રહે છે. તેમજ તળાવમાં પાણી પીવા જતા પશુઓ પર પણ મગર ક્યારેય હુમલો કરતો નથી. અન્ય એક ખાસ વાત એ પણ છે કે મગરી જ્યારે ઈંડા મુકે અને બચ્ચા જન્મે ત્યારે ગામનાં બાળકો તેને રમાડવા ઘણીવાર ઘરે લઈ જાય છે. થોડા વાર રમાડ્યા બાદ મગરનાં બચ્ચાને બાળકો જાતે જ તળાવમાં છોડી આવે છે. સરકારી તંત્ર દ્વારા પણ સમયાંતરે તળાવની ચકાસણી કરવામાં આવે છે.
 
મગરને માણસનો દુશ્મન માનવામાં આવે છે પણ આ ગામમાં મગર માણસ પર કેમ હુમલો નથી કરતો તે અંગે કોઈ ચોક્કસ કારણ તો જાણવા નથી મળતું પણ, ગામલોકોનાં મતે વર્ષો પહેલા ગામમાં આવેલા એક મંદિરમાં અંધ મહંત રહેતા હતા. ત્યારે તળાવનાં મગરે હુમલો કરતા મહંતે મગરને શ્રાપ આપ્યો હતો કે તળાવનાં મગર કોઈને ઈજા પહોંચાડશે નહીં. હકીકત તો જે હોય તે પણ આ ગામમાં મગર અને માણસોની મિત્રતા અનેરી છે. ગામલોકોને પણ દ્રઢ વિશ્વાસ છે કે અત્યાર સુધી મગરે કોઈને ઈજા પહોંચાડી નથી અને ભવિષ્યમાં પણ  કોઈને ઈજા પહોંચાડશે નહીં. આ જ કારણે ગામને મગર મિત્ર ગામ તરીકે પણ ખ્યાતિ મળી છે.