ગુજરાતમાં બે દિવસના પ્રવાસ માટે ઉત્તમ છે 'આ સ્થળો'

12 Oct, 2015

જો તમે એક-બે દિવસનો પ્રવાસ કરવા માટે વિચારી રહ્યા છો તો દક્ષિણ ગુજરાતના કેટલાક એવા સ્થળો છે જ્યાં તમે જઇને પ્રવાસનો આનંદ માણી શકો છો. જેમાં ઉનાઇ ગરમ પાણીના ઝરા અને સરદાર સરોવર બંધ, રણછોડરાયનું તીર્થ સ્થળ ડાકરો અને પાવાગઢનો પ્રવાસ કરી શકાય.

 
ઉનાઈ ગરમ પાણીના ઝરા
ગરમ પાણીના ઝરા જાહેર જનતા માટે ખુલ્લા છે અને તાજગી મેળવવાના અદભૂત સ્થળ છે. વાંસદા ગામથી આવતી બસો ઉનાઈ માતાના મંદિરે થોભે છે. સુરતથી વાંસદા જતા માર્ગમાં ઉનાઈ આવે છે.
 
મહાકાળીનો પાવાગઢ
ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્‍લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્‍થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ.
પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્‍થાનક નયનરમ્‍ય છે. પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે. ચાંપાનેર મહંમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્‍દુ-મુસ્લિમ સ્‍થાપત્‍યો છે.
 
સરદાર સરોવર બંધ
રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે. સ્વાગત કેન્દ્ર પાસે એક નકસો અને જાણકારી કેન્દ્ર છે. માર્ગદર્શક સાથેનો પ્રવાસ નોંધાવી શકો છો, જે તમને બંધ સ્થળની આસપાસના છ સ્થળોએ લઈ જશે. એક બગીચો, જવાહરલાલ નેહરુએ 1961માં કરેલું શિલારોપણ, બંધથી પડતા પાણીના પ્રવાહને જોવા માટેનું સ્થળ, બોટિંગ માટેનું સરોવર, મુખ્ય કેનાલનો પ્રથમ લોક ગેટ, વિદ્યાર્થીઓ માટે કુદરતી પ્રશિક્ષણ કેમ્પ ધરાવતું આરોહણ સ્થળ. નજીકમાં સુરપાણેશ્વરનું મંદિર પણ છે. ડૂબમાં ગયેલા પ્રાચીન મંદિરના સ્થાને સરકારે આ મંદિર બનાવ્યું છે.