ગુજરાતીઓની છાતી ગદ ગદ ફુલી, એરફોર્સની મહિલા પાંખનું નેતૃત્વ કર્યું આ ગુજરાતણે

26 Jan, 2015

રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હાજરીના કારણે દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઐતિહાસિક બની રહી છે. અતિથી ઓબામાની ઉપસ્થિતિમાં યોજાયેલ એરફોર્સની પરેડની એક એવી ક્ષણ જે ગુજરાતીઓ માટે ઐતિહાસિક બની રહી હતી. વાયુસેનાની પરેડ દરમિયાન જ્યારે મહિલા પાંખની ટુકડી શિસ્તબદ્ધ પરેડ કરતી પસાર થઇ ત્યારે ખુદ વડાપ્રધાન મોદીની પણ છાતી એક ગુજરાતી તરીકે ગજ ગજ ફૂલી,. કારણ હતું કે, એરફોર્સની એ મહિલા પાંખનું નેતૃત્વ કરી રહી હતી એક ગૌરવવંતી ગુજરાતણ, આ ગુજરાતણ છે ગાંધીનગરની દિકરી સ્નેહા શેખાવત.

ગાંધીનગરની રહેવાસી  સ્નેહા શેખાવતે આ પહેલા  પણ 2012ની પરેડમાં એરફોર્સની 144 પુરુષો અને 4 મહિલાઓના સંયુક્ત દળનું નેતૃત્વ કરીને ભારતના ઈતિહાસમાં સ્વાતંત્ર્ય દિનની પરેડમાં સરંક્ષણ દળનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું.

દેશદાઝની પ્રબળ ભાવના સાથે પ્રગતિના પંથો સર કરનાર સ્નેહાએ અત્યારસુધીમાં અનેક મેડેલો પણ જીત્યા છે. પરંતુ સ્નેહાની આ સિધ્ધિએ તેની સાથે જ ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું હતું. ગુજરાતની દિકરી વિશ્વના બે શક્તિશાળી નેતાઓ સામે એરફોર્સની મહિલા પાંખનુ નેતૃત્વ કરતી જોવા મળી હતી. તેમજ ગુજરાતીઓ માટે આ ક્ષણ ઇતિહાસના પાને કંડેરાઇ ગઇ હતી.

Loading...

Loading...