સલામ પોપટ

22 Feb, 2016

ભુજમાં ૪૫ વર્ષથી ભટકતો આ માનસિક રીતે અસ્થિર માણસ તો જબરો દાનવીર

ભુજમાં છેલ્લાં ૪૫ વર્ષથી ફરતો માનસિક રીતે અક્ષમ એક માણસ શહેરના બિહારીલાલ મહાદેવના મહંતની ર્દીઘદૃષ્ટિને કારણે એક ચબૂતરાના નિર્માણકાર્યમાં પોતાના તરફથી ૧,૧૫,૦૦૦ રૂપિયાનું દાન આપી ચૂક્યો છે. તેનું નામ કોઈ જાણતું નથી, પણ લોકો તેને પોપટ તરીકે ઓળખે છે. ભુજમાં આ પોપટભાઈ ૧૯૭૩થી જોવા મળી રહ્યા છે. ભુજના રાજવીઓના સ્મશાનની ઐતિહાસિક છતરડીઓમાં તે પડ્યોપાથર્યો રહે છે. છતરડીઓની વચ્ચે આવેલા ધોબીતળાવ વિસ્તારમાં તેને ભટકતો ઘણા લોકોએ જોયો છે. તે બોલી શકતો નથી, પણ એકાદ વખત મદદ કરનારને ક્યારેય ભૂલતો નથી અને જ્યારે તે વ્યક્તિ તેની સામે આવી જાય ત્યારે તે ચીસ પાડે છે.

ધોબીતળાવ પરિસરમાં જ બિહારીલાલ મહાદેવનું મંદિર છે. પોપટ રોજ આ મંદિરમાં જતો ત્યારે મંદિરના પૂજારી મૌનીબાબા તેને કમંડળ ભરીને ચા પીવડાવતા. ચાને બદલે પોપટ થોડા રૂપિયા કમંડળમાં મૂકી જતો હતો. તેનો એ નિયમ વર્ષો સુધી ચાલતો રહ્યો હતો. મૌનીબાબાએ પોપટ આપતો એ રૂપિયા અલગ રાખવાનું નક્કી કર્યું હતું. બિહારીલાલ મહાદેવના પરિસરમાં અત્યારે એક ચબૂતરાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. મૌનીબાબાએ પોપટના ખાતાના રૂપિયાની ગણતરી કરતાં એ રકમ ૧,૧૫,૦૦૦ રૂપિયા થઈ છે. એ રૂપિયાનો ઉપયોગ ચબૂતરાના નિર્માણકાર્યમાં થશે અને બદલામાં પોપટના નામની તકતી ત્યાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મૌનીબાબાએ જણાવ્યું હતું કે પોપટ કચ્છના ખાવડા બાજુનો હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે. જોકે પોપટ એ વિશે કંઈ જણાવી શકે એવી સ્થિતિમાં નથી. પોપટની આંખનું ઑપરેશન તાજેતરમાં ભુજના ડૉક્ટર સંજીવ ઉપાધ્યાય પાસે કરાવવાની વ્યવસ્થા થઈ હતી. પોપટને હૃદયમાં એક જ વાલ્વ હોવાનો તબીબી અભિપ્રાય આવ્યો છે. તે જે ચીસો પાડે છે એને કારણે જ તે જીવતો રહી શક્યો છે. જો તેની ચીસો બંધ થઈ જશે તો તે કાયમ માટે બંધ થઈ શકે છે.

આજે પણ આ પોપટ મંદિર, ધોબીતળાવ અને છતરડીઓ વચ્ચે ઘૂમી રહ્યો છે. તમે માનશો ખરા કે માનસિક રીતે અક્ષમ એવા આ પોપટે ચબૂતરા માટે ૧,૧૫,૦૦૦ રૂપિયાનું દાન આપ્યું છે.