ગુજરાતના આ ગામમાં કોઇ દારૂ પીવે કે વેચે તો થાય છે સામાજીક બહિષ્કાર

20 Mar, 2015

ગાંધીના ગુજરાતમાં માત્ર કહેવા પુરતી દારૂબંધી છે તે તો જગજાહેર છે ગુજરાતમાં દારૂ પીવો અને વેચવો તે વાત હવે સહજ ગણાય છે.કોઇ દારૂ પીવે કે વેંચે તો તેનો સમાજ દ્રારા કે ગામ દ્રારા તેનો બહિષ્કાર કરવામાં આવે તેવું સાંભળીને જરુર નવાઇ લાગે પરંતુ રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલા ગોલીડા ગામમાં આવો જ કંઇક નિયમ છે.આ ગામમાં કોઇ દારુ પીવે કે વેચે તો તેનો ગામ દ્રારા બહિષ્કાર કરવામાં આવે છે. કોઇ સારા માઠાં પ્રસંગે ગામનું કોઇપણ વ્યક્તિ તેની સાથે કોઇપણ જાતનો વ્યવહાર રાખતું નથી કે મદદ કરતું નથી. 2011 બાદ અત્યાર સુધીમાં પાંચેક પરિવારનો આ ગામ દ્રારા બહિષ્કાર કરવામાં આવ્યો છે.

રાજકોટના ત્રંબાથી આગળ જતાં 22 કિલોમીટરના અંતરે ગોલીડા ગામ આવે છે. આ ગામની વસ્તી 1200ની છે.ગામમાં કાઠી અને પટેલની વસ્તી વધુ,10 ચોપડી ભણેલા રમેશભાઇ સોજીત્રાએ ગામને દારૂના દુષણથી મુક્ત કરવા અનોખું અભિયાન છેડ્યું છે.રમેશભાઇ સોજીત્રાએ દિવ્યભાસ્કરડોટકોમ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે એક સમય એવો હતો કે ગામના મોટાભાગના પુરુષો દારૂના દુષણનો ભોગ બની ગયા હતા ત્યારે જ વિચાર્યુ કે આ બંધ કરાવું પડશે.

 
ચાલુ વર્ષમાં જ  બે એવા પરિવાર હતા તેમાં દારૂ પીવાતો અને વેચાતો તેનો અમે બહિષ્ક્રર કર્યો છે તેના પરિવારમાં કોઇ સારા-માઠાં પ્રસંગે હાજરી નહી આપવાની કે કોઇ મદદ નહી કરવાની,દારૂ બંધી કરવા રમેશભાઇ પર હુમલો પણ થયો હતો તે કહે છે અમુક અસામાજીક તત્વો એ મારી પર જીવલેણ હુમલો પણ કર્યો હતો પરંતુ દારૂબંધીને સમગ્ર ગામ લોકોએ સમર્થન આપતા આ પ્રવૃતિ બંધ થવાના બદલે વેગ મળ્યો છે.
 
એ સિવાય રમેશભાઇએ ગામના વિકાસના માર્ગે લઇ જવા અનેક વિવિધ પ્રવૃતિ કરી રહ્યાં છે.રમેશભાઇ કહે છે કે,દારૂનું દુષણ ડામવાથી ગામના પરિવારોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે.ઘરના ઝઘડાઓ ઓછા થઇ ગયા છે.