પ્રથમવાર વિદેશી શહેર સાથે જોડાશે: ગાંધીનગર, યુરોપનું ગોર્ડનો બનશે ટ્વીન સિટી

21 Nov, 2014

વાઇબ્રન્ટ સમિટ આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકાર તરફથી અગાઉની જેમ અનેકવિધ ક્ષેત્રમાં એમઓયુ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર અને યુરોપના દેશ બેલારુસના શહેર ગોર્ડનો વચ્ચે ટ્વીન સિટી કરાર કરવા માટેની કવાયતને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટ-2015 દરમિયાન જ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સાથે ગાંધીનગર અને ગોર્ડનો શહેર એક બીજા સાથે સહમતિ સાધીને વિવિધ ક્ષેત્રે સકારાત્મક અને લોકઉપયોગી બને તેવા પગલા ભરી શકશે.

ગાંધીનગર જેમ મહાપાલિકા છે. તે પ્રકારનું વહીવટી માળખુ ગોર્ડનો શહેરનું છે. એમઓયુ કરવામાં આવ્યા પછી બન્ને શહેરના લોક પ્રતિનિધિ અને અધિકારીઓ એક બીજા શહેરની મૂલાકાત લેશે અને એક બીજા શહેર પાસે રહેલી સારી બાબતોનો જે તે શહેરમાં અમલ કરી શકશે. નગારિક સુવિધા, ટેકનોલોજી, વહીવટ અને વિકાસ યોજનાઓ તથા સાસ્કૃતિક અને વૈચારિક બાબતોનું આદાન પ્રદાન કરવામાં આવશે. પરિણામે સરવાળે બન્ને શહેરનો વિકાસ થશે. જેનો અંતિમ ફાયદો શહેરને મતલબ કે રહેવાશીઓને મળશે.

સહમતી કરારમાં કઇ બાબતોને ધ્યાને રાખવી અને ભૂતકાળમાં આ પ્રકારે કરાયેલા કરારોમાં જોવાયેલી ત્રુટીઓ નિવારવા જેવી વાતે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાપાલિકાને તેના માટે યોગ્ય ભૂમિકા તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. ઇન્ડેક્ષ્ટ-બી દ્વારા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી પણ જરૂરી માહિતીઓ મેળવવામાં આવી રહી છે.

ગાંધીનગર પ્રથમવાર વિદેશી શહેર સાથે જોડાશે

રાજ્યના પાટનગરનું શહેર ગાંધીનગર આ પ્રકારે અગાઉ કોઇ વિદેશી શહેર સાથે જોડાયું નથી. ભૂતકાળમાં ઇન્ડિયન કાઉન્સીલ ઓફ પોલિટીકલ લીડર્સ નામની સંસ્થા કે જેના નેજા હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે તેઓ માત્ર ભાજપ સંગઠનમાં હતાં ત્યારે તેમણે અમેરિકાની મૂલાકાત લીધી હતી. તે સંસ્થા દ્વારા ગાંધીનગર અને એડિસન શહેરને જોડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતાં. પરંતુ તેમાં કોઇ આખરી પરિણામ આવ્યુ ન હતું. ઉપરાંત ગાંધીનગરના ગિફ્ટ સિટીના કરાર દુબઇ સાથે કરવાની પ્રક્રિયા પણ થઇ હતી.

ટ્વીન સિટીના કરાર 3 વર્ષ માટે અમલમાં રહેશે

 બેરાલુસના ગોર્ડનો શહેર સાથે ગાંધીનગરના ટ્વીન સિટી કરાર કરવામાં આવશે. તો તેની સમયાવધિ ત્રણ વર્ષની રહેશે. સતત 3 વર્ષ સુધી આ બન્ને શહેર એકબીજા સાથે વિવિધ વાતે જોડાયેલા રહેશે અને પરસ્પરને સહકાર આપશે.