વલસાડ તાલુકાના આખા ગામમાં છે ફ્રી વાઇફાઇ સુવિધા

04 Feb, 2015

મોદી સરકાર દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ઉપાડવામાં આવી છે પરંતુ વલસાડ તાલુકાનું તીઘરા ગામ છેલ્લા પાંચ વર્ષથી સ્વચ્છતા અને આધુનિક ટેકનોલોજીના મામલે અન્ય ગામડાઓને એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરી પાડી રહ્યું છે. આ ગામમાં વાઇફાઇ કનેકશનથી માંડીને ગામમાં ઠેર ઠેર માર્ગો ઉપર ગંદકી ન ફેલાવવા માટેનો બેનરો, ગાર્ડન અને ફૂલદાનીઓ મુકવામાં આવી છે. જે ગામની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં કણબી, ધોડીયા, કોળી , હળપતિ, મુસલમાન અને માહ્યાવંશી સમાજના લોકો કોમી એકતાની મિસાલ તરીકે વસવાટ કરતા આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ગામમાં વિદેશોમાં જોવા મળતી હોય તેવી સ્વચ્છતા જોવા મળી રહી છે.

આ ગામમાં વાઇફાઇની સુવિધાની સાથે ઠેર ઠેર ફૂલદાની, કચરાપેટીઓ તેમજ ગામના સૌંદર્ય માટે ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. તીઘરા ગામમાં પગ મૂકો એટલે કોઈક અલગ જ ગામમાં આવ્યા હોય એવો અનુભવ થાય છે. આ જ રીતે અન્ય ગામડાઓ પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ કદમથી કદમ મિલાવી આગળ આવી શકે પરંતુ તે માટે સૌ પ્રથમ ગ્રામજનોએ જ જાગૃત થવાની જરૂર છે. વાઈફાઈ બાદ હવે ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટેની પણ કવાયત ચાલી રહી છે.

હાલમાં સરકારની એક પણ રૂપિયાની સહાય વિના ગ્રામજનો પોતાના સ્વબળે ગામનો સુંદર વિકાસ કરી રહ્યા છે. ગામના લોકો પોતાની મેળે પોતાના મોહલ્લાની સાફ સફાઈ કરતા આવ્યા છે.તીઘરા ગામ સ્વચ્છતા માટે મિસાલ બની રહ્યું છે તે રીતે અન્ય ગામડાના લોકો પણ પોતાની ગામની સફાઈ માટે સ્વંય જાગૃત થાય તો ભારતના તમામ ગામડાઓ વિશ્વ માટે મિસાલ બની શકે છે.