લંડનની ગ્લોબલ સમીટમાં આદર્શ ગામ તરીકે પ્રોજેક્ટ કરાયું ગુજરાતનું ગામ

22 Jul, 2016

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને આધારે દેશના 100 સીટીને સ્માર્ટસીટી બનાવવાની યોજના આકાર લઇ રહી છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ નવસારી જિલ્લાના ચીખલીને દત્તક લઇને સ્માર્ટ વિલેજ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.ચીખલીને દત્તક લીધા બાદ એમના પ્રયત્નો થકી લંડનમાં યોજાયેલ ગ્લોબલ સમીટ ઓન સ્માર્ટ,સીક્યોર અને સસ્ટેનેબલ સીટીઝમાં ચીખલીને આદર્શગામ તરીકે પ્રોજેક્ટ કર્યું છે.
 
નવસારીના સાંસદે ચીખલીને દત્તક લીધું છે

ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ દ્વારા લંડનમાં યોજાયેલ સમીટમાં ચાર દિવસો સુધી વિવિધ વિષયના નિષ્ણાંતો ભારતમાં રહેલી તકો અને પડકારો વિશે ચિંતન કરશે.સમગ્ર યોજના પાછળ થનાર ખર્ચ માટે ફંડ લોન ક્યાંથી કેવી રીતે મળી રહે તે અંગે તજજ્ઞો પોતાના વિચારો રજુ કરશે.નવસારીના સાંસદ સી.આર.પાટીલે પોતે દત્તક લીધેલ ગામ ચીખલીને આદર્શગામ કેવી રીતે નિર્માણ થઇ શકે તેની યોજનાનું  પ્રેઝેન્ટેશન આ સમીટમાં કર્યુ હતું.

આદર્શગામ યોજના થકી શુધ્ધ પાણીથી લઇ આધુનિક બસ સ્ટેન્ડની સુવિધા
 
આદર્શગામ યોજના થકી એમણે એમના પ્રયત્નો થકી ચીખલીમાં રસ્તા બ્લોક પેલ્ટીંગ પીવાના શુધ્ધ પાણીની પાઇપલાઇન, ગટર યોજના, સફાઈકાર્ય, ડ્રેનેજના ગંદા પાણીના શુદ્ધિકરણ માટેની યોજના આધુનિક સ્મશાનગૃહ જેમાં લાકડા વિના અગ્નિદાહની સગવડ, પુસ્તકાલય, આધુનિક બસ સ્ટેન્ડ, દરેક ઘરદીઠ,શૌચાલય,ગ્રીન ચીખલી યોજના અન્વયે વૃક્ષારોપણ રોડ ડિવાઇડર વચ્ચે સુશોભન અને નદી કિનારે પર્યટક સ્થળ વિકસાવી શકાય એવી યોજનાઓ અને કરેલા કાર્ય વિશે માહિતી સભર પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતુ.

સાંસદે એક જ વર્ષમાં કરી ચીખલી ગામની કાયાપલટ
 
ચીખલી ગામને નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલે આદર્શ ગામ તરીકે દત્તક લીધા બાદ કાયાપલટ થઇ ગઇ છે. 3 કરોડથી વધુના ખર્ચે મુખ્ય રસ્તાને ડામર તેમજ અન્ય રસ્તાઓને પેવર બ્લોકથી સજ્જ કરવામાં આવ્યા હતા  અહીંના રસ્તાઓ આજથી પાંચ વર્ષ પહેલા એકદમ ખખડધજ હાલતમાં હતા અને આ પીવાના પાણીથી લઈ અનેક સમસ્યાઓ પણ હતી. હવે આ સમસ્યાઓથી લોકોને છૂટકારો મળ્યો છે. કસ્બા વિસ્તાર અને નદી મહોલ્લા વિસ્તારમાં બ્લોકપેવિંગ કરી આ વિસ્તારનો પણ નકશો બદલી નાંખ્યો હતો. તેના માટે રૂ.3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  ગ્રામપંચાયત દ્વારા પણ આ વિકાસના કામ માટે પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.2.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાનો પ્રથમ રિવરફ્રન્ટ પણ ચીખલીની કાવેરી નદીનાં કિનારે બનાવવામાં આવ્યો હતો. તે સિવાય એક વર્ષમાં વિકાસનાં ઘણા કામો કરવામાં આવ્યા હતાં.
 
ચીખલી ગામમાં શું શું કર્યું તેની આછી પાતળી માહિતી
 
- 2 લાખનાં ખર્ચે 172 શૌચાલયો ગામમાં બનાવાયા
- 10 લાખનાં ખર્ચે CCTV મુકાયા
- 6 લાખનાં ખર્ચે ટ્રી પ્લાન્ટેશન કરાયું
- 450 ગામનાં ઘરોને નળ કનેક્શન અપાયા
- 20 લાખ રૂપિયાનો ખર્ચ ગામની સ્વચ્છતા પાછળ કરાયો
- 20 લાખ રૂપિયાના ખર્ચે પ્રથમ રિવરફ્રન્ટ બનાવાયો
- પાવર બ્લોક બેસાડી સજ્જ કરાયા ચીખલીનાં આંતરિક માર્ગો
- 3 કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય રસ્તા ડામર, અન્ય રસ્તાઓ પેવર બ્લોક દ્વારા બનાવાયા
- ભૂગર્ભ ગટરનાં ગંદા પાણીથી નદી દૂષિત ન થાય તે માટે ફિલ્ટર પ્લાન્ટ

આદર્શ ગામ યોજના હેઠળ કામગીરી
 
ચીખલી નગર સહિત આજુબાજુના ગામો જેવા કે ખૂંધ, થાલા અને સમરોલી ગામમાંથી પસાર થતા માર્ગોની સાઈડે પેવર બ્લોક આદર્શ ગામ યોજના હેઠળ નાખવામાં આવ્યા હતા. સ્મશાન ભૂમિમાં ઈલેકટ્રીક સગડી, આધુનિક આંગણવાડી, આધુનિક ઘર, દરેક ઘરે નળ કનેકશન, ઘરે ઘરે શૌચાલય સુવિદ્યા ઉપલબ્ધ કરાઇ છે.
 
નદીને સ્વચ્છ કરવા ફિલ્ટર પ્લાન્ટ
 
ચીખલીથી પસાર થતી કાવેરી નદીમાં ગામની ભૂર્ગભ ગટરનુ ગંદુ પાણી જતું હોવાથી આ નદી દુષિત થતી હતી. તે માટે હાલમાં એક ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યો છે. જેનાથી હવે આ ભૂર્ગભ ગટરનુ ગંદુપાણી શુદ્ધ થઈને નદીમાં જશે.
 
વિકાસના કામો ઉડીને આંખે વળગે તેવા છે
 
ચીખલી વર્ષોથી વિકાસના કામથી વંચિત હતું. પરંતુ સી.આર.પાટીલ દ્વારા ચીખલીને આદર્શ ગામ તરીકે દત્તક લેવાયા બાદ ચીખલી ગામમાં રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, ફિલ્ટર પ્લાન્ટ, દરેક તથા રિવરફન્ટનો વિકાસ કર્યો છે તે ઉડીને આંખે વળગે તેવો છે. - કેયુર ભટ્ટ, સ્થાનિક રહીશ, ચીખલી.
 
ચીખલીને દત્તક લઈ વિકાસ કરાયો

 
નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા ચીખલી ગામને દત્તક લઈ અંદાજીત રૂ.3 કરોડના કામો કર્યા છે. ચીખલી ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.2.50 કરોડનો ખર્ચ કરી ચીખલીનાં રસ્તા ઉપર પેવર બ્લોક તેમજ બીજા અન્ય કામો કરવામાં આવ્યા છે.  - જયોતિબેન કાયસ્થ, સરપંચ, ગ્રામપંચાયત ચીખલી.