રાજકોટ: ઉમિયાધામમાં પ્રમુખની 125 કિલો ચાંદીથી તુલા, પાટીદારોનો પ્રવાહ ઊમટ્યો

16 Nov, 2014

સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી મંદિરના આંગણે રવિવારે પાટીદાર સમાજની ભક્તિ-શક્તિ અને સમર્પણના કાર્યક્રમમાં પાટીદારોનો પ્રવાહ ઊમટી પડ્યો હતો. કુળદેવી મા ઉમિયાના ચરણોમાં 365 ધ્વજારોહણ, પૂજન અને શોભાયાત્રાના અવસરની સાથોસાથ ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ તથા તેમના પત્નીની 125 કિલો ચાંદીથી રજતતુલા સાથે કેન્દ્રિય મંત્રી મોહનભાઇ કુંડારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઉમિયા માતાજી મંદિર દ્વારા વિજાપુરા વિદ્યાસંકુલના પટાંગણમાં આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં સૌ પ્રથમ રાજકોટના ક્લબ યુવી દ્વારા 365 પરિવારોની ધ્વજાનું એકસાથે પોરબંદરના સાંદિપનિ આશ્રમ તથા જામનગરના આંણદાબાવા આશ્રમના 365 ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવવામાં આવ્યું હતું. પૂજન બાદ માતાજીની ધ્વજા સાથે ભાવિકો વાજતે-ગાજતે માતાજીના રથ સાથેની શોભાયાત્રામાં જોડાયા હતા. દોઢ કિ. મી. લાંબી શોભાયાત્રા ઉમિયા માતાજી મંદિરે પહોંચી મંદિરની પ્રદક્ષિણા બાદ 365 ધ્વજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કૃષિમંત્રી તરીકે નિમાયેલા મોહનભાઇ કુંડારિયા અને મોરબીના ધારાસભ્ય અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝના ફેડરેશનના પ્રમુખ તરીકે નિમાયેલા કાંતિભાઇ અમૃતિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સિદસર ખાતે સ્વયંસેવકોના મહાસંમેલન વેળાએ પાટીદાર સમાજની પ્રગતિ માટે અવિરત કાર્યરત ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ તથા તેમના પત્ની લાભુબેનની રજત તુલા કરવામાં આવી હતી. રજતતુલામાં આશરે 125 કિલો ચાંદી દ્વારા રાજકોટના મૌલેશભાઇ ઉકાણી તથા નટુભાઇ ઉકાણીએ પરિવાર સાથે માતા-પિતાની રજતતુલા કરી હતી.
રજતતુલા બાદ 125 કિલો ચાંદી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાનમંડળમાં કૃષિ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમાયેલા મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોની વેદનાથી વાકેફ છું તેથી જ ખેડૂતોના ઉત્થાન માટે હંમેશાં પ્રયત્નશીલ રહીશ. સહકારી પશુપાલન અને કૃષિક્ષેત્રના પ્રશ્નોના નિરાકરણને અગ્રતા આપીશ. કુંડારિયાએ પાટીદાર સમાજની સામાજિક, શૈક્ષણિક વિકાયયાત્રાને આગળ ધપાવતા અગ્રણીઓના વિચારો અને પ્રયત્નોને બિરદાવ્યા હતા.