ગુજરાતી યુવાનનો દાવો: ફિલ્ટર પાણીની મદદથી ચાલશે કાર, 70 કી.મી. એવરેજ આપશે

21 Nov, 2014

વર્તમાન સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ કયારેક વધે છે તો કયારેક ઘટે છે. ત્યારે કાર પાણીથી દોડવા લાગે તો કેવુ સારૂ ! આવુ જ કંઇક સંશોધન કર્યુ છે ધારીમાં રહેતા એક યુવાને. યુવાને દાવા સાથે જણાવ્યું હતુ કે સતત આઠ માસની મહેનત બાદ તેમને પાણીથી કારનું એન્જિન શરૂ કરવામા સફળતા મળી છે. ત્રણ લીટર ફિલ્ટર પાણીમાં કાર અંદાજિત 70 કિમી સુધી ચાલશે તેવી તેમણે આશા પણ વ્યકત કરી છે.

ધારી શહેરમાં નવી વસાહત, ગણેશ સોસાયટીમાં રહેતા કિશોરભાઇ ડોળાસીયા નામના યુવક કડીયાકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. એકાદ વર્ષ પહેલા કિશોરભાઇને વિદેશી ચેનલો જોતાજોતા પાણીથી ચાલતી કાર બનાવવાનો વિચાર સ્ફુર્યો હતો. બસ ત્યારથી જ તેઓ રાત દિવસ પાણીથી ચાલતી કાર બનાવવા મહેનત કરી રહ્યાં હતા.

કિશોરભાઇ ડોળાસીયાએ દાવા સાથે જણાવ્યું હતુ કે ફિલ્ટર પાણીથી ચાલતી કાર બનાવવા આઠેક માસથી મહેનત કરવામા આવી હતી. તેઓએ ટેકનીકલ બાબતે જણાવ્યું હતુ કે સૌપ્રથમ ફિલ્ટર પાણીની ત્રણ લીટરની ટાંકી બનાવવામા આવી છે. જેમાંથી ત્રણ ફુટ પાઇપ લગાવી વચ્ચે સેલ ફિટર કરાયો છે તેમાંથી ગેસ ઉત્પન્ન થાય છે.

બાદમાં ત્યાંથી ગેસ પસાર થઇ બબલરમાં પ્રવેશે છે તેમાં ફિલ્ટરની પ્રક્રિયા થાય છે. બાદમાં એક પાઇપ લાઇન એન્જિન સાથે જોડી દેવામા આવે છે જેનાથી એન્જિન સ્ટાર્ટ થાય છે. તેઓએ દાવો કર્યો છે કે ફિલ્ટર પાણીથી અંદાજિત કાર 70 કિમી સુધી ચાલશે.

ડિઝલ બુલેટ રિમોટથી સ્ટાર્ટ થાય છે

કિશોરભાઇએ જણાવ્યું હતુ કે તેઓએ અગાઉ ડિઝલ બુલેટ રિમોટથી સ્ટાર્ટ થાય તેવું સંશોધન કર્યુ હતુ. તેઓ નવરાત્રી મહોત્સવમાં પણ જુદાજુદા વિજ ઉપકરણો બનાવી કંઇક નવુ કરતા રહે છે.