ગુજરાતનું નવું નજરાણું: આણંદમાં બનશે એરપોર્ટ, NRIને થશે મોટો ફાયદો

19 Nov, 2014

આણંદ ખાતે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત આણંદ ખાતે યોજાયેલા રોડ શોમાં કલેક્ટર રાકેશ શંકરે પોતાના પ્રવચન દરમિયાન આણંદમાં એરપોર્ટ અને તારાપુરમાં જીઆઈડીસી માટે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.આણંદ જિલ્લાના વિકાસ અંગે પ્રેઝન્ટેશન દરમિયાન કલેક્ટર રાકેશ શંકરે જણાવ્યું હતું કે ‘આણંદમાંથી રેલવે કોરિડોર પસાર થઇ રહ્યો છે. આ ઉપરાંત નેશનલ હાઈવે, સિક્સલેનનો સ્ટેટ હાઇવે, એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. જે કોઇ પણ ઉદ્યોગના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે.
 
 જિલ્લામાં હાલ એન્જિનીયરીંગ, કેમિકલ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, અકીક ઇન્ડસ્ટ્રીઝ, મેડિકલ ટુરીઝમ, એજ્યુકેશન સહિતના ઉદ્યોગો માટે વિશાળ તક રહેલી છે. આ ઉપરાંત ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિકસ, કેમિકલ, ફૂડ પ્રોસેસિંગની વિકસી રહ્યાં છે. આણંદ વડોદરાથી માત્ર અડધા કલાકના જ અંતર પર આવેલું છે. જ્યારે વડોદરાનો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર વડોદરા શહેરથી એક કલાક દૂર છે. વડોદરાના જ ઉદ્યોગપતિઓ આણંદ રોકાણ કરે તો તેમને પણ આવવા – જવાની સરળતાં રહેશે.’તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ‘તારાપુરમાં જીઆઈડીસી માટેની દરખાસ્ત રિવાઇઝ કરાશે. આ ઉપરાંત એરપોર્ટ માટે પણ પ્રયત્ન હાથ ધરવામાં આવશે.’

જમીન ને ઊર્જા સસ્તી : ગોવિંદભાઈ
તારાપુર ખાતે તાજેતરમાં મોરબી સ્થિત સનસાઇન ગ્લાસ કંપની દ્વારા સિરામિકનું યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બુધવારના રોજ તેઓએ વધુ રૂ.250 કરોડના રોકાણ માટે ખાતરી આપી હતી. આ અંગે કંપનીના ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે ‘મોરબી કરતાં તારાપુર ખાતે ઊર્જા અને જમીન સસ્તા દરે મળી રહે તેમ છે. જેથી તૈયાર માલની પડતર નીચી જતાં ગ્રાહકોને ફાયદો થશે.’
 
આણંદમાં શા માટે એરપોર્ટ જરૂરી છે?
આણંદ જિલ્લો એનઆરઆઈ હબ ગણાય છે, અહીં 20 હજારથી વધુ પરિવાર લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા સહિતના દેશોમાં રહે છે. જેઓ સતત આવન – જાવન કરતાં રહે છે. ખાસ કરીને નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એનઆરઆઈના ધાડાં જ ઊતરી પડતાં હોય છે. આ તમામને વડોદરા અથવા અમદાવાદ એરપોર્ટ પર ઊતરવું પડે છે. આણંદમાં એરપોર્ટ બને તો તેમને ફાયદો થાય તેમ છે.