ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી જાહેર,16 અબજ ડોલરના રોકાણની નેમ

12 Nov, 2014

ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ(ઈએસડીએમ)નું વૈશ્વિક બજાર આગામી છ વર્ષમાં હાલના 175 અબજ ડોલરથી વધીને 240 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે ત્યારે ગુજરાત સરકાર રાજ્યમાં 2020 સુધીમાં આ ક્ષેત્રનું ટર્નઓવર 16 અબજ ડોલર સુધી પહોંચાડવા, રાજ્યમાં આ ક્ષેત્રે આગામી છ વર્ષમાં મૂડીરોકાણ છ અબજ ડોલર અને તે માધ્યમે રાજ્યના પાંચ લાખ રોજગારીની તકો પૂરી પાડવાના લક્ષ્યાંક સાથે સરકારે નવી ઈલેક્ટ્રોનિક્સ નીતિ જાહેર કરી છે. અલબત્ત, અગાઉની આઈટી પોલિસી 2011માં પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષે પોલિસી રજૂ કરીં છે.

સામાન્યપણે મહત્વપૂર્ણ નીતિની જાહેરાત સંબંધિત મંત્રીઓ, સચિવો અને તજજ્ઞોની ઉપસ્થિતિમાં કરાય છે, પરંતુ વર્તમાન સરકારે માત્ર માહિતી ખાતા મારફતે એક પ્રેસનોટના માધ્યમે આવી ક્રિટિકલ પોલિસી પ્રસિદ્ધ કરી છે. જે અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી કે નાણાં મંત્રી સૌરભ પટેલે તેની વિગતો આપવાનું ટાળતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

હેતુઓ : ઇલેક્ટ્રોનિક પોલિસીના મુખ્ય ઉદ્દેશ્ય

2020 સુધીમાં આ ક્ષેત્રનું ટર્નઓવર 16 અબજ ડોલર સુધી પહોંચાડવું
2020 સુધીમાં આ ક્ષેત્રે મૂડીરોકાણ 6 અબજ ડોલર સુધી પહોંચાડવું
2020 સુધીમાં રોજગારીની નવી પાંચ લાખ તકો ઊભી કરવી
આ ક્ષેત્રના વિકાસ માટે ઈલેક્ટ્રો નિક્સ મિશનની સ્થાપના કરવી
સેમીકન્ડક્ટર ફેબ્રીકેશનના એકમો સ્થાપવા પ્રોત્સાહન આપવા
ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્લસ્ટર ધરાવતા ગ્રીન ફિલ્ડ-બ્રાઉન ફિલ્ડનો વિકાસ કરવો
વિશ્વની મોખરાની ડિઝાઈન કંપનીઓને આકર્ષવા ડિઝાઈન સીટી સ્થાપવું

મંતવ્યો :લોકપ્રતિભાવોનો પણ નીતિમાં સમાવેશ કરાયો

સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, પહેલાં નીતિ મુસદ્દો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની વેબસાઈટ પર મૂકી દેવાયો હતો અને તેના વિષે સામાન્ય લોકોથી માંડી સ્ટેક હોલ્ડર્સના ફિડબેક મંગાવાયા હતા અને તેને અનુરૂપ ફેરફારો કરી નીતિ તૈયાર કરાઈ છે.

ફેરફાર: મુખ્યમંત્રીએ પણ આખરી તબક્કે સુધારા સૂચવ્યા

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, નવી ઈલેક્ટ્રોનિક્સ નીતિને આખરી ઓપ આપી દેવાયા બાદ પોલિસીનો ડ્રાફ્ટ સીએમઓમાં મોકલાયો હતો. મુખ્યમંત્રીએ તેનો અભ્યાસ કર્યા બાદ તેમાં કેટલાક અગત્યના સુધારા સૂચવ્યા હતા.

આ નીતિ અન્વયે સરકાર કયા પ્રોત્સાહનો આપશે

10 કરોડ મર્યાદામાં 25 ટકા સુધીની ગ્રીન ફીલ્ડ ઈલે.ઉત્પાદકોને સહાય
100% સુધીની મુક્તિ નોંધણી ફી-સ્ટેમ્પ ડ્યુટીમાં થતા પ્રથમ વ્યવહાર પર
90% સુધી વળતર વેટ પ્રોત્સાહન, પાત્રતા ધરાવતા નવા-હયાત એકમોને મૂડીરોકાણના
07%નાના એકમોને 7 ટકા, મોટા એકમો માટે બે ટકા વ્યાજ સબસીડી
05 ઉત્પાદક એકમોને પાંચ વર્ષ સુધી રૂ. એક પ્રતિ યુનિટની પાવર ટેરિફ સબસીડી