ગુજરાતમાં 'અમૂલ' દ્વારા કેશલેસ ખરીદી માટે 'મિલ્ક કાર્ડ' લોન્ચ

15 Jan, 2015

દેશના સૌથી મોટા ડેરી પ્રોડક્ટ ઉત્પાદક સંગઠનની બ્રાન્ડ 'અમૂલ' દ્વારા સામાન્‍ય લોકોને રાહત થાય તેવી એક મોટી પહેલરુપે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના સહકાર સાથે 'અમૂલ મિલ્‍ક કાર્ડ' (પ્રિપેઇડ સ્‍માર્ટ કાર્ડ) લોન્ચ કર્યું છે. ગાંધીનગર સ્થિત અમૂલની મધર ડેરી ખાતે આની શરૂઆત કરવામાં આવી છે. અમૂલ પાર્લરથી પ્રોડક્‍ટની ખરીદી કરવા માટે આ કાર્ડનો ઉપયોગ થઇ શકશે. અમદાવાદમાં અમૂલના તમામ પાર્લરો ઉપર ઉપલબ્‍ધ જુદી જુદી અમૂલની રેંજની ખરીદી આ કાર્ડની મદદથી કરી શકાશે. આ કાર્ડનો શુભારંભ એસબીઆઈના ચેરમેન અરૂંધતી ભટ્ટાચાર્ય અને જીસીએમએમએફ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર આરએસ સોઢી દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રસંગે એસબીઆઈ અને જીસીએમએમએફના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સોઢીએ જણાવ્યું કે આવા સહબ્રાન્‍ડેડ દૂધ કાર્ડ ભારતમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી રહ્યા છે. દરેક ઘરમાં દૂધ અને ડેરી પ્રોડક્‍ટનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આવી ખરીદીમાં પેમેન્‍ટની કોઇ તકલીફ ના પડે તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમૂલ દૂધ દેશમાં સૌથી મોટી દૂધની બ્રાન્‍ડ છે. તે દરરોજ 100 કરોડ લીટર દૂધનું વેચાણ કરે છે જેથી મોટાપાયે અમારા ગ્રાહકોને આ સ્‍માર્ટકાર્ડના લાભ આપવાના હેતુસર આની શરૂઆત કરવામાં આવી છે.

મિલ્ક કાર્ડની ખાસિયતો

  • કાર્ડ ખરીદવા ઉપર કોઇ એન્‍ટ્રી ફી રહેશે નહીં.
  • કસ્‍ટમરો તમામ અમૂલ પાર્લરો ઉપર તેમના કાર્ડની ખરીદી કરી શકશે.
  • લધુત્તમ રિચાર્જ રકમ 100 રૂપિયાની રહેશે. જ્‍યારે મહત્તમ રિચાર્જ રકમ 3000 રૂપિયાની રહેશે.
  • સ્‍ટમરો જ્‍યારે પણ કંઇ ખરીદી કરશે ત્‍યારે SMS Alert મળશે.
  • આ ર્સવિસ પ્રારંભિક તબક્કે અમદાવાદ શહેરમાં 10 અમૂલ પાર્લર પર લોંચ કરવામાં આવી રહી છે.
  • આગામી ત્રણ મહિનામાં 100 અમૂલ પાર્લર પર આની સેવા શરૂ થશે.
  • તબક્કાવાર રાજ્‍યભરમાં આની સેવાની શરૂઆત થશે.