૭ વર્ષથી ૨૦૦૦ દીકરીને ગૌરીવ્રતમાં ડ્રાયફ્રૂટ અને જમવાનું અપાય છેે

29 Jul, 2015

પૂર્વ વિસ્તારની મધ્યમ અને ગરીબ ૫રિવારની દીકરીઓ માટે અમરાઈવાડીની ગીતા વિદ્યાલય રુ. ૨૦ લાખનો ખર્ચ કરે છે : નાની બાળકીઓને ભેટમાં સ્વેટર અને મોટી છોકરીઓને ઘડિયાળ અપાઈ

ચોમાસાની સિઝન દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો આવે છે ઈદ, રથયાત્રા, ગૌરીવ્રત, જયા પાર્વતી વ્રત, દશામા જેવા વિવિધ ધાર્મિક પર્વમાં નાની યુવતીઓ માટે જાણીતું પર્વ એટલે ગૌરીવ્રત પર્વ. આ વ્રત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું અતિ પ્રાચીન વ્રત છે. તેનો ઉલ્લેખ  ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. નાની બાળાઓ વર્ષોથી ગૌરીવ્રતની પરંપરાગત માન્યતાથી પ્રેરાઇને ઉજવણી કરતી હોય છે. જેમાં સારા જીવનસાથીની કામના માટે શ્રધ્ધા પૂર્વક સાત દિવસ સુધી ગૌરીવ્રત અને જવારા પૂજન કરવામાં આવે છે. આ પર્વ દરમિયાન અમરાઈવાડીમા ગીતા વિદ્યાલય તરફથી અનોખું કાર્ય કરાય છે આ વિસ્તારની ઘણી દીકરીઓને ગૌરી કે જયાપાર્વતી જેવા વ્રત કરવા હોય છે પરંતુ વિપરીત સામાજિક અને આર્થિક પરિસ્થિતિના કારણે  માંડ એક ટાઈમ જમવાનું નસીબમાં હોય ત્યારે વ્રત કરવા મુશ્કેલ હોય છે. આવી દીકરીઓ પણ વ્રત કરી શકે અને ધામધુમથી વ્રતની  ઉજવણી કરી શકે તે માટે ગીતા વિદ્યાલય દ્વારા છેલ્લા ૭ વર્ષથી શાળામાં અભ્યાસ કરતી કે અન્ય શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને ગૌરીવ્રત કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. એટલું જ નહી જે દીકરીઓ ગૌરીવ્રત કરે તેમને સવારે - સાંજ ડ્રાયફ્રૂટ અને  બપોરે જમવાનું આપવામાં આવે છે. તેમજ દીકરીઓનો ઉત્સાહ વધારવા ગિફ્ટ પણ આપવામાં આવે છે. ગયા વર્ષે ૧૮૦૦ દીકરીને ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત દરમિયાન ડ્રાયફ્રુટસથી લઈ જમાડવા સુધીનો તમામ ખર્ચ શાળાએ ઉપાડયો હતો જયારે આ વર્ષે પણ ૨૦૦૦ બહેનોને આ સાત દિવસ દરમિયાન તમામ ખર્ચ શાળા ભોગવી રહી છે. આ પ્રસંગે પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર એમ.એન પટેલ, અમદાવાદના ડીઈઓ અને બનાસકાંઠાના ડીઈઓ હાજર રહીને દીકરીઓને ઈનામ આપ્યું હતું.

વધુમાં શાળાના પ્રિન્સિપાલ બાબુભાઈ દેસાઈ કહે છે કે સાતમા દિવસે દીકરીઓ, સ્ટાફ, વાલીઓ અને  મહેમાનોને બોલાવીને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન  કરાશે.

શાળા દ્વારા ગૌરીવ્રત દરમિયાન કરાતી પ્રવૃતિઓ

-લગભગ ૨૦૦૦ દીકરીઓનું જમવાનું
-વ્રત કરનાર દરેક દીકરીને બદામ, કાજુ, દ્વાક્ષ જેવા ડ્રાયફ્રૂટ વ્રત કરનાર દીકરીઓને ગિફ્ટ સ્વરૃપે ઘડિયાલ
-સવારે જવારા પૂજન
-સાત દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ
-છેલ્લી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને હાસ્યડાયરો
-વ્રત કરનારી દીકરીઓને હાઉસી રમાડાય છે
-મહેંદી, સંગીત જેવી પ્રવૃતિ કારાવી પ્રવૃતિશીલ રખાય છે

અમરાઈવાડી વિસ્તારના અનેક પરિવારોની દીકરીઓ પાસે ગૌરીવ્રત દરમિયાન સિંગ ખાવાના પણ ફાંફા હોય છે. આવી બાળકીઓ પણ સુખી સંપન્ન પરિવારની છોકરીઓની માફક ગોૈરી વ્રતની ઉજવણી કરી શકે તેવા હેતુથી અમે સેવા કરીએ છીએ.
દક્ષાબેન અને રમેશભાઈ પટેલ-મેનેજિંગ ટ્રસ્ટી

Loading...

Loading...