Gujarat

વડોદરા પાસેના પાદરાના વિધાનસભ્ય આ રક્ષાબંધને આપશે અનોખી ભેટ : ૫૧,૧૧૧ બહેનોને ત્રણ વર્ષનો વીમો

વડોદરા પાસે આવેલા પાદરા ગામના વિધાનસભ્ય દિનેશ પટેલે પોતાના મતવિસ્તારની ૫૧,૧૧૧ બહેનોને રક્ષાબંધન નિમિત્તે વીમાની ગિફ્ટ આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. દિનેશ પટેલના મતવિસ્તારની કુલ વસ્તી ૨,૧૫,૭૯૮ વ્યક્તિની છે, જેમાંથી ૧,૦૭,૩૫૦ બહેનો છે. આ આંકડાની દૃષ્ટિએ દિનેશ પટેલે પોતાના મતવિસ્તારની દરેક બીજી મહિલાને ઇન્શ્યૉરન્સની ગિફ્ટ આપી છે.


દિનેશ પટેલ હજી ત્રણ વર્ષ સુધી વિધાનસભ્ય રહેશે. એટલે તેમણે અત્યારે એ મુજબની જાહેરાત કરી છે કે આવતાં ત્રણ વર્ષ એટલે કે ૨૦૧૭ સુધી ૫૧,૧૧૧ બહેનોનું પ્રીમિયમ તે ભરશે. દિનેશ પટેલે કહ્યું હતું કે ‘વડા પ્રધાને જાહેર કરેલી વીમાયોજનામાં આ બહેનોનો વીમો લેવામાં આવશે, જેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા છે. આ પ્રીમિયમનાં કુલ ૬,૧૩,૩૩૨ રૂપિયા થશે, જે હું મારી અંગતઇન્કમમાંથી ભરીશ.’

રક્ષાબંધનના આગલા દિવસથી એટલે કે ૨૮ ઑગસ્ટથી દિનેશ પટેલ આ ઇન્શ્યૉરન્સની ગિફ્ટ આપવાનું શરૂ કરશે. વિધાનસભ્ય હોવાને કારણે આમ તો દિનેશભાઈ પાસે પોતાના મતવિસ્તારની મોટા ભાગની વિગતો છે જ. આ વિગતોના આધારે દિનેશ પટેલ આંગણવાડીની બહેનોને, વિધવા બહેનોને, જેમનાં બાળકો શારીરિક અક્ષમ છે એવાં બાળકોની માતાઓને આ ઇન્શ્યૉરન્સની ભેટ આપવાના છે; જેનો આંકડો ૪૦,૦૦૦ થાય છે. બાકીના ૧૧,૧૧૧ વીમાની ભેટ માટે આર્થિક રીતે પછાત હોય એવા પરિવારની બહેનોને પસંદ કરવામાં આવશે.

વિચાર આવ્યો ક્યાંથી?

બહેનોને ઇન્શ્યૉરન્સની ગિફ્ટ આપવાનો વિચાર દિનેશ પટેલના મનમાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે વાવ્યો હતો. આનંદીબહેને પોતાના એક ભાષણમાં એવું કહ્યું હતું કે ‘મહિલાઓને ઇન્શ્યૉરન્સની બાબતમાં જાણકારી ઓછી છે. આ રક્ષાબંધને તેમના ભાઈઓ બહેનને ભેટમાં વીમાની ગિફ્ટ આપે.’આ સ્પીચ સાંભળ્યા પછી દિનેશભાઈએ ૫૧,૧૧૧ બહેનોના ભાઈ બનવાનું નક્કી કરીને બહેનોને ઇન્શ્યૉરન્સની ગિફ્ટ આપવાનું નક્કી કર્યું.

મિત્રો, આવા સેવાકાર્યો જો આપની આસપાસ નજરમાં આવે તો અમને અમારા વોટ્સઅપ નં 8000 501 001 ઉપર જણાવો... યોગ્ય ચકાસણી બાદ તે ન્યુઝ  હા અમે ગુજરાતી માં હાઈલાઈટ કરવામાં આવશે અને દેશ વિદેશમાં પહોચાડવામાં આવશે

Releated News