Gujarat

રાજયમાં તબીબી શિક્ષણની બેઠકો વધશે : રાજયમાં તબીબી શિક્ષણની બેઠકો વધશે

રાજયમાં પ્રજાજનોને આરોગ્ય સવલતોનો વ્યાપ વધે તેમજ ઘરઆંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર પગલાં લઇ રહી છે. રાજયની વડોદરા અને સુરત ખાતેની મેડિકલ કોલેજોમાં એમબીબીએસની ૧૭૦ નવી બેઠકોનો વધારો કરવામાં આવશે.

આ અંગે સત્તાવાર રીતે જણાવાયા મુજબ કેન્દ્ર સરકારે રાજયોમાં સરકારી મેડિકલ કોલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે ૭૦:૩૦ના રેશિયો મુજબ એમ.બી.બી.એસ.ની ૧ સીટના વધારા દીઠ રૂા.૧.૨૦ કરોડની સહાય મેળવવા નિર્ણય કરેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી મેડિકલ કોલેજ, સુરત ખાતે ઉપલબ્ધ એમ.બી.બી.એસ.ની ૧૫૦ સીટોમાં વધારો કરી ૨૫૦ સીટો કરવા અને સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે ઉપલબ્ધ એમ.બી.બી.એસ.ની ૧૮૦ સીટોનો વધારો કરી ૨૫૦ સીટો કરવાનું આયોજન કર્યું છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અન્ય યોજના પ્રમાણે રાજયમાં ચાલુ જિલ્લા હોસ્પિટલો સાથે નવી મેડિકલ કોલેજની સ્થાપના માટે કેન્દ્ર સરકાર રૂા.૧૫૦ કરોડ આપશે અને રાજય સરકાર રૂા.૫૦ કરોડ પોતાના બજેટમાંથી ફ્ાળવશે. આ જિલ્લા હોસ્પિટલો ૨૦૦ થી ૨૫૦ પથારીઓ ધરાવતી હોવી જરૂરી છે. જે અંતર્ગત રાજયના આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ખેડા જિલ્લામાં નડીઆદ, અમરેલી જિલ્લામાં અમરેલી, પંચમહાલ જિલ્લામાં ગોધરા અને તાપી જિલ્લામાં વ્યારા ખાતેની જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરી નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી છે. ઉક્ત હોસ્પિટલોની કેન્દ્ર સરકાર દ્વારા ચકાસણી કર્યા બાદ મંજૂરી મળ્યેથી આગળની કાર્યવાહી કરાશે. આમ, ભવિષ્યમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલોની સાથે મેડિકલ કોલેજોની સુવિધા ઉપલબ્ધ થશે.

Source By : Mumbaisamachar

Releated News