વોટ્સઅપ પર તસવીર જોઈ અપહૃત બાળકને મેઘાલય જતાં PSIએ છોડાવ્યો

19 Feb, 2016

ગોંડલ/જેતપુર:  જેતપુરના કલર કેમિકલના વેપારીના ચાર વર્ષના પુત્ર રુદ્રનું બુધવારે રાત્રે પાર્ટી પ્લોટમાં લગ્ન સમારોહ અપહરણ થયું હતું. આ અપહરણનો ભેદ ઉકેલવામાં પોલીસને ચોવીસ કલાકમાં જ સફળતા મળી છે. મેઘાલય સેમિનારમાં જતાં પીએસઆઈએ  વોટ્સઅપ સોશિયલ મીડિયામાં બાળકની તસવીર જોઈ અપહરણકારને ઓળખીને ઝડપી પાડ્યો હતો.

કોટડાસાંગણીના પીએસઆઈ જતાં હતાં મેઘાલય

મેઘાલય ખાતે માનવ અધિકાર સેમિનારમાં હાજરી આપવા જતા કોટડાસાંગાણીના પીએસઆઇ આર.જે.રામને મળેલી રુદ્રની તસવીર જોઇને તેઓએ આ આખી ટ્રેનમાં આંટો મારી તપાસ કરી હતી. આ દરમિયાન તેઓને રુદ્ર નજરે પડતાં તેની તસવીર લઇને જેતપુર પોલીસને મોકલી હતી. પોલીસે આ તસવીર રુદ્રના પરિવારજનોને બતાવતા આ બાળક રુદ્ર જ હોવાનું  જણાવ્યું હતું.

પુછપરછથી ઘભરાયેલો અરહરણકાર ભાગવામાં નિષ્ફળ

અપહૃત બાળકના પરિવારજનોનું સાંભળીને પોલીસે રુદ્રને લઇ જતાં આરોપીની પૂછપરછ કરી હતી. આથી ગભરાયેલા આરોપીએ રુદ્રને ટ્રેનમાં છોડી ભુસાવળ રેલવે સ્ટેશને નાસવાનો પ્રયત્ન કર્યો હતો પણ પીએસઆઇ. રામ અને તેની સાથે રહેલા ગુજરાતના અન્ય ચાર પોલીસ અધિકારીઓએ તેને રેલવે સ્ટેશને જ કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

જેતપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

જેતપુરના કલર કેમિકલનો વ્યવસાય કરતા કિશોરભાઇ નરશીભાઇ રાખોલિયા તેના ચાર વર્ષના પુત્ર રુદ્ર તથા પરિવાર સાથે જૂનાગઢ રોડ પર આવેલા રજવાડી પાર્ટીપ્લોટમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન રુદ્ર લાપતા બન્યો હતો. આથી પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ડોગ સ્કવોડનો પણ લેવાયો સહારો

ગુરુવારે સવારે આ સ્થળે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવતા ગુનાશોધક શ્વાન નજીકમાં આવેલા એક સાડીના કારખાનામાં જઇને અટકી ગયો હતો. બીજીબાજુ પોલીસે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અપહૃત રુદ્રની તસવીર મોકલી દઇ તેમના વિસ્તારમાં તપાસ કરવા જણાવ્યું હતું. 

સોશિયલ મીડિયામાં તસવીર મળતાં કોટડાસાંગાણીના પીએસઆઈ તપાસ આદરી

કોટડાસાંગાણીના પી.એસ.આઇ. આર.જે.રામ મેઘાલય ખાતે યોજાયેલા માનવ અધિકારના સેમિનારમાં હાજરી આપવા જતા હતાં. દરમિયાન તેમને સોશિયલ મીડિયામાં મળતાં તેમણે પણ નવજીવન એક્સપ્રેસમાં ફરીને તપાસ કરી હતી. દરમિયાન આ જ બાળક એક શખ્સ સાથે નજરે પડતાં તેમણે તેની તસવીર લઇને જેતપુર પોલીસને મોકલી હતી.
 
પોલીસે રુદ્રના માતાપિતાનો સંપર્ક કરતા તેઓએ આ બાળક રુદ્ર જ હોવાનું કહેતાં સ્થાનિક પોલીસે તુરંત જ પીએસઆઇ રામને આ આરોપીની પૂછપરછ કરવા અને બાળકને બચાવી લેવા કહેતાં પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા અને આ આરોપીની બાળક વિશે પૂછપરછ કરતા તે જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને ભુસાવળ રેલવે સ્ટેશન આવતા તે રુદ્રને ટ્રેનમાં જ છોડીને નાસવા જતા તમામ અધિકારીઓએ તેને કોર્ડન કરી લઇ ઝડપી લીધો હતો.

આરોપીએ બીએસએફના જવાન તરીકે ઓળખ આપી


પી.એસ.આઇ. રામ અને અન્ય અધિકારીઓએ આ આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાકેશ પ્રતાપસિંહ (ઉ.40 રહે. બાકોલા ઝારખંડ) હોવાનું અને પોતે બી.એસ.એફ.નો જવાન હોવાનું કહ્યું હતું, પરંતુ સામે અસલી પોલીસ હોવાની ખબર પડતા તેણે નાસવાનો પ્રયત્ન કર્યો હતો.